અમદાવાદ

સૈરાટઃ પ્રેમસંબંધનો વિરોધ કરતા પરિવારે દીકરીના પ્રેમીની કરી કરપીણ હત્યા

અમદાવાદઃ સંતાનો પોતાની પસંદગીનું પાત્ર નક્કી કરે તે તેનો બંધારણીય અધિકાર છે, પરંતુ વર્ષોથી રૂઠિચુસ્ત સમાજોમાં યુવાન સંતાનોને આ હક મળતો નથી. આજના સમયમાં વાતાવરણ ઘણું સ્વતંત્ર હોવાનું આપણે માનીએ છીએ, છતાં પણ અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના યુવક-યુવતીઓના લગ્ન ઘણા પરિવારોને માન્ય નથી હોતા. આથી ઘણીવાર પ્રેમીયુગલની આત્મહત્યા અથવા બેમાંથી એકની આત્મહત્યાના બનાવો બનતા રહે છે. જોકે ગુજરાતના એક પ્રેમીયુગલ સાથે ઘાતકી બનાવ બન્યો છે, જેમાં યુવતીની હાજરીમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે.

ગુજરાતના ભાવનગર જિલ્લામાં ઑનર કિલિંગની બનેલી એક ઘટનામાં યુવતીની પરિવારે તેનાં પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાનો કિસ્સો બન્યો છે. આ ઘટનામાં પોલીસે એકની ધરપકડ કરી છે ત્યારે અન્યની શોધખોળ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર જનક કોતર નામના ભાવનગર જિલ્લાના ટીમણા ગામના વતનીને ઉપલેટાના ભાયાવદરમાં રહેતી પિયુ સાથે પ્રેમસંબંધ હતો. બન્ને તેમનાં મામાના ગામે એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો, પરંતુ યુવતીના પરિવારને આ સંબંધ પસંદ ન હતું, જેનું કારણ બન્નેની અલગ જ્ઞાતિ હોવાનું બહાર આવ્યું હતું.

બન્નેના સંબંધની જાણ થતાં પિયુનો પરિવાર ઘમો નારાજ હતો અને પોતાના જીવનું જોખમ હોવાનું તેણે જનકને જણાવ્યું હતું. જનક મિત્રની મદદ લઈ પિયુને તેનાં ઘરેથી ભગાડી લઈ જતો હતો. મંગળવારે મોડી રાત્રે બોટાદના ઢાસા ગામ પાસે અમુક લોકોએ બાઈક પર જતા યુવક-યુવતીને આંતર્યા હતા અને યુવકને તિક્ષ્ય હથિયારોના ઘા ઝીકી માર્યો હતો સાથે તેના મિત્રને પણ લોહીલુહાણ કરી ત્યાંથી જતા રહ્યા હતા. તેમણે યુવતીને તેમની સાથે લીધી હતી. અહીંથી નીકળતા એક રાહદારીએ બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં જોયા હતા અને તેમને હૉસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જોકે સિહોરની સરકારી હૉસ્પિટલે પહોંચતા જ જનકે દમ તોડી દીધો હતો.

આપણ વાંચો:  સુરત સિટી બસમાં ડ્રગ્સનો નશો! યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ, પ્રવાસીઓ ભયભીત

બોટાદના ઢાસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આઠ જણ સામે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ યુવતીના જીવનું પણ જોખમ હોવાનું ધ્યાનમાં આવતા તેને પોલીસ પ્રોટેક્શનમાં રાખવામાં આવી છે અને હવે તેની પૂછપરછ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button