અમદાવાદ

સરકારી ખર્ચે નવસારી, જામનગર અને ગીર-સોમનાથ જવાનો મોકો! રહેવા-જમવા સાથે પ્રમાણપત્ર પણ મળશે!

અમદાવાદ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી ગીર-સોમનાથમાં જનરલ કેટેગરીના ૧૦૦ યુવાઓ, જામનગરમાં અનુસૂચિત જાતિના ૧૦૦ અને નવસારીમાં અનુસૂચિત જનજાતિના ૧૦૦ યુવાઓ એમ કુલ ૩૦૦ યુવાઓની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવશે.

રાજ્યના યુવાઓને જુદા જુદા વિસ્તારો, સાગર સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં ૧૦ દિવસ માટે યોજાનાર આ સાહસિક કાર્યક્રમમાં અરજી કરનાર ઉમેદવારો પૈકી પસંદગી સમિતિ દ્વારા રાજ્યભરમાંથી કુલ ૩૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવાઓને નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનું ભાડું તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

આપણ વાચો: રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબરમાં 10 દિવસીય સાગરકાંઠા પરિભ્રમણ

અરજી કરવાની પ્રક્રિયા

“સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”માં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તેમાં (૧) પોતાનું નામ-સરનામું, મોબાઇલ નંબર (૨) જન્મ તારીખ (૩) શૈક્ષણિક લાયકાત (૪) વ્યવસાય (૫) એન.સી.સી/પર્વતારોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર (૭) વાલીની સંમતિ (૮) તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો (૯) ઓળખ કાર્ડ (૧૦) જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ અને (૧૧) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત સહિતની માહિતી દર્શાવવાની રહેશે.

ભાગ લેવા ઇચ્છુક જનરલ કેટેગરીના ઉમેદવારોએ ગીર-સોમનાથ જિલ્લામાં, અનુસૂચિત જાતિના યુવાઓએ જામનગર અને અનુસૂચિત જનજાતિના યુવાઓએ નવસારીની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે, તેમ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button