અમદાવાદ

સાબરમતી રિવરફ્રન્ટ ડેથ ડેસ્ટિનેશન બની ગયું, દર 48 કલાકે એક આત્મહત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરીજનો અને બહારગામથી આવતા લોકો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવું સાબરમતી રિવરફ્રન્ટ કમનસીબે ટૂરિઝમ ડેસ્ટિનેશનને બદલે ડેથ ડેસ્ટિનેશન બની ગયું હોવાનું જણાઈ રહ્યું છે.

વર્ષ 2016થી 2025 સુધીના દસ વર્ષના સમયગાળામાં અહીં 1,617 લોકોએ સાબરમતીમાં કૂદીને આત્મહત્યા કરી છે, જેનો અર્થ એ થાય છે કે દર 48 કલાકે એક વ્યક્તિ સાબરમતીમાં સમાઈ જાય છે.

સાબરમતી કિનારેથી રોજ એક ડિસ્ટ્રેસ કૉલ અધિકારીઓને આવે છે. આત્મહત્યા કરનારાઓમાં લગભગ 20થી 50 વર્ષના પુરુષોની સંખ્યા વધુ છે.

મોટાભાગના કિસ્સાઓમાં લાંબી માંદગી, આર્થિક તંગી અને સંબંધોની સમસ્યાઓ સાથે જોડાયેલા છે, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ. પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓની આત્મહત્યા ઘણીવાર પતિ અથવા સાસરિયાઓ દ્વારા થતી હેરાનગતિ સાથે જોડાયેલી હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ સંબંધોના મુદ્દાઓને કારણે આત્યંતિક પગલું ભરે છે. ઘણી માતાઓ સંતાનને નદીમાં ફેંકી પોતે પણ ઝંપલાવી દે છે.

અહીં આત્મહત્યાની સંખ્યા વધે છે તેનું એક કારણ એ પણ છે કે 12 કિલોમીટરના પટ્ટામાં ફાયર બ્રિગેડે માત્ર ત્રણ જવાન તહેનાત કર્યા છે. આ સાથે લોકો પણ આવી ઈમરજન્સી સમયે આ જવાનોને બોલાવવાને બદલે વીડિયો શૂટ કરે છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ ઉમેર્યું હતું કે ઘણા લોકો કાનૂની મુશ્કેલીના ડરથી હેલ્પલાઇન 112 પર ફોન કરવાનું ટાળે છે. ફાયર બ્રિગેડને ચેતવણી આપવામાં આવે અને જવાનોને એકત્ર કરવામાં આવે ત્યાં સુધીમાં સમય ચાલ્યો જાય છે. આટલા મોટા પટ્ટામાં કોણ ક્યારે કૂદી પડે તે નક્કી હોતું નથી. આથી જવાનો તેમના સુધી પહોંચે તે પહેલા તો લોકો સાબરમતીમાં ઝંપલાવી દે છે.

૨૦૧૬માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આત્મહત્યા રોકવા માટે સાબરમતી નદી પરના બધા પુલો પર ઊંચી ગ્રીલ અને રેલિંગ લગાવી હતી. તેનાથી પુલો પરથી થતા મૃત્યુમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે લોકો જે ખુલ્લો ભાગ છે અને જ્યાં ફૂટપાથ છે ત્યાંથી આત્મહત્યા કરી લે છે. નિષ્ણાતોના મતે સતત પેટ્રોલિંગ, સીસીટીવી મોનિટરિંગ, વધારે જવાનો વગેરે આ સંખ્યામાં ઘટાડો લાવી શકે છે.

ઐતિહાસિક સાબરમતી નદી સાથે લોકોનું ભાવનાત્મક જોડાણ બની રહે તે માટે બનેલો રિવરફ્રન્ટ ભાવનાત્મક રીતે તૂટી ગયેલા લોકો માટે મોતની નદી બની ગયો છે. આ અહેવાલ માનસિક સ્વાસ્થ્યના ખતરાને પણ ઉજાગર કરે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button