સાબરમતી નદીનું જળસ્તર વધ્યું, રિવરફ્રન્ટ સતત બીજા દિવસે બંધ: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંકટ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી હતી, જેને પગલે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતીનું જળસ્તર વધતાં સતત બીજા દિવસે રિવરફ્રન્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક વધી છે.
હાલ ડેમમાં 86,892 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
આ દરવાજામાંથી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ શહેરીજનો માટે સતત બીજા દિવસે બંધ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું! ખેડા-માતરના 20 થી વધુ ગામોને એલર્ટ કરાયા…
24 ઓગસ્ટના રોજ સુભાષબ્રિજ નજીકનો લોઅર પ્રોમિનાડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, 25 ઓગસ્ટે વહેલી સવારથી પાણી ઓસરતા રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરસાદી પાણીની સાથે તણાઈને આવેલો કચરો, ઘાસ અને અન્ય કચરો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પરથી દૂર કરવામાં આવ્યો હતો.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને, લોઅર પ્રોમિનાડમાં કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માટે સિક્યુરિટી ગાર્ડ્સ અને પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં સુધી પાણીનું સ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી લોઅર પ્રોમિનાડ બંધ રહેશે.
વાસણા બેરેજના કુલ 25 ગેટ ખોલી 30836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે. વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડતા નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા.