અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનો દરવાજો બંધ છે કારણ કે તાળાની ચાવી ગુમ છે

અમદાવાદઃ દેશમાં કે રાજ્યમાં સરકારી કામકાજ કેવી રીતે થાય છે કે નથી થતા તેનું એક ઉદાહરણ અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન બની ગયું છે. અહીં ટિકિટબારી સુધી પહોંચવા માટે એક ગેટ છે અને આ ગેટને એક ચેઈનથી લોક કરવામાં આવ્યો હતો. હવે આ લોક ખોલવાની જરૂર છે, પરંતુ ચેઈનને જે તાળાથી બાંધવામાં આવી હતી તે તાળાની ચાવી ખોવાઈ ગઈ હોવાનું એક અહેવાલ દ્વારા બહાર આવ્યું છે.
શહેરમાં સાબરમતી રેલવે સ્ટેશનથી ઘણી આઉટ સ્ટેશન ટ્રેન અવરજવર કરે છે. કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલતુ હોવાથી સાબરમતી રેલવે સ્ટેશન વધારે વ્યસ્ત થઈ ગયું છે. એવામાં ટિકિટ કાઉન્ટર સુધી પહોંચવું જ અઘરું બની ગયું છે.
લાંબા અંતરની ટ્રેનો માટે ટિકિટ બુક કરાવવા આવતા મુસાફરો માટે એકમાત્ર સીધો રસ્તો જે છે તે પાર્કિંગ એરિયા અને રિઝર્વેશન ઓફિસ વચ્ચે તાળું મરાયેલો ગેટ છે. બે લોખંડના ગેટ વચ્ચે ચેઈન છે આથી ઠેકીને જવું પડે છે.
મોટી ઉંમરના, ચાલવામાં તકલીફવાળા કે દિવ્યાંગો માટે આ લગભગ અશક્ય છે. દિવાળીના સમય દરમિયાન ભીડને નિયંત્રિત કરવા આ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એમનું એમ જ છે. અહીંથી જવાનું અઘરું હોવાથી ઘણા મુસાફરોને હવે બુકિંગ કરાવવા માટે અન્ય પ્લેટફોર્મ દ્વારા લાંબો રસ્તો અપનાવવાની અથવા કાલુપુર અથવા મણિનગર જેવા નજીકના સ્ટેશનોથી ટિકિટ લેવાની અને મુસાફરી કરવાની ફરજ પડે છે.
હવે આ એક તાળું ખોલવા માટે રેલવેએ લાંબી પ્રક્રિયા કરવી તેમ છે. આ ચેઈન અને તાળાનો ઓર્ડર કમર્શિયલ ડિપાર્ટર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને તેમનાથી ચાવી ગુમ થઈ ગઈ છે. હવે ચેઈન તોડવા માટે પેપરવર્ક કરવું પડશે, પરવાનગીઓ લેવી પડશે અને અલગ અલગ વિભાગોએ કો-ઓર્ડિનેટ કરવું પડશે, આથી કોઈ ધ્યાન આપતું નથી, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જ્યાં સુધી હવે આ કામ નહીં થાય ત્યાં સુધી પ્રવાસીઓએ મુશ્કેલીઓ વેઠવી પડશે.
આ પણ વાંચો…અમદાવાદનો સાબરમતી વિસ્તાર બનશે સ્માર્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, જાણો શું હશે ખાસિયત



