અમદાવાદ

સાબરમતી સ્ટેશન જતાં પહેલા વાંચી લો! એન્ટ્રી-એક્ઝિટના માર્ગો બદલાયા, જાણો નવી વ્યવસ્થા

અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશન (ધર્મનગર સાઈડ) ખાતે ચાલી રહેલા પુનઃવિકાસ (Redevelopment) કાર્યને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. તારીખ 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર આવવા-જવા માટેના પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ, વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) પાસેની ગ્રીન લાઈનથી થશે, જ્યાંથી મુસાફરો નવી બિલ્ડિંગના બીજા માળેથી પ્લેટફોર્મ સુધી જઈ શકશે.

નિકાસ એટલે કે એક્ઝિટ માટે ફૂટ ઓવર બ્રિજ મહેસાણા સાઈડ પાસેની પર્પલ લાઈન નક્કી કરવામાં આવી છે. મુસાફરોને લેવા આવતા વાહનો માટે અહીં જ ખાસ ‘પિક-અપ ઝોન’ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક્ઝિટ ગેટ પાસે બે અલગ-અલગ જગ્યાએ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. સ્ટેશનના નવીનીકરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવેની નવી બિલ્ડિંગમાં મુસાફરોની સુવિધા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનરલ ટિકિટ (UTS), પ્રથમ માળે રિઝર્વેશન ટિકિટ (PRS) અને બીજા માળે આધુનિક વેઈટિંગ રૂમની સુવિધા આપવામાં આવી છે. રેલવે વહીવટીતંત્રે તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્ટેશન પર લગાવેલા નવા સંકેતો અને રેલવેકર્મીઓના સૂચનોનું પાલન કરે, જેથી બાંધકામ દરમિયાન કોઈ અસુવિધા ન સર્જાય.

આ પણ વાંચો પ્રથમ LNG ટ્રેનનું અમદાવાદમાં આગમન, એકવાર ટેન્ક ફૂલ કરાવતા 2,200 કિમીની ‘નોન-સ્ટોપ’ દોડ!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button