સાબરમતી જેલ ફરી વિવાદમાંઃ કુખ્યાત ગુનેગાર પાસેથી આઈફોન સહિત મોબાઈલ મળ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રખાયેલા અને રાજ્યમાં જેની સામે સૌપ્રથમ ‘ગુજસીટોક’નો ગુનો નોંધાયો હતો તેવા કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી એક આઈફોન અને એક કીપેડ ફોન મળી આવતા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ઈન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણ અને ઝડતી સ્ક્વોડની તપાસ દરમિયાન ખોલી નંબર એકની છતમાં બાકોરું પાડીને છુપાવેલા બે મોબાઈલ ફોન, વીઆઈ અને એરટેલના સીમકાર્ડ, મેમરી કાર્ડ અને ચાર્જર મળી આવ્યા હતા. આ મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આપણ વાચો: સાબરમતી જેલમાં 1,300 એઆઈ આધારિત કેમેરા ગોઠવાશે
ઉલ્લેખનીય છે કે વિશાલ ગોસ્વામીનો ઇતિહાસ અત્યંત ગુનાહિત રહ્યો છે, જેમાં જ્વેલર્સ પર ફાયરિંગ, બેંક લૂંટ અને કરોડોની ખંડણી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે. હાઈ સિક્યુરિટી ઝોનમાં હોવા છતાં તેની પાસે પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે જેલની અંદર બેસીને આ કુખ્યાત આરોપી કોના સંપર્કમાં હતો અને તેને મોબાઈલ પહોંચાડવામાં જેલના કયા કર્મચારીઓએ મદદ કરી હતી.



