અમદાવાદ

સાબરમતી આશ્રમનો કાયાકલ્પ: સિમેન્ટ નહીં, ગોળ-મેથી-ચૂનાથી બાંધકામ, વલસાડી સાગ-મોરબીના નળિયા અને….

અમદાવાદ: સાબરમતી આશ્રમનો રૂ. ૧,૨૦૦ કરોડના ખર્ચે પુનઃવિકાસ પ્રોજેક્ટ હવે આકાર લઈ રહ્યો છે. અહીં આધુનિક કોંક્રિટની ઈમારતોથી વિપરીત, ગાંધીજીના સમયની ૧૯૧૭ની મૂળભૂત સંકલ્પના મુજબ ૧૧૦ વર્ષ જૂના વારસાને જીવંત કરવામાં આવી રહ્યો છે. ૫૫ એકરમાં ફેલાયેલા આ નવનિર્મિત આશ્રમમાં હવે પ્રવાસીઓએ ગાંધીજીના જીવન અને આદર્શોને સંપૂર્ણપણે સમજવા માટે માત્ર દોઢ કલાક નહીં, પણ આખો દિવસ ફાળવવો પડશે.

આ પ્રોજેક્ટનો સૌથી મોટો વળાંક નવેમ્બર ૨૦૨૪માં આવ્યો, જ્યારે કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીનો ૮૦૦ મીટરનો મુખ્ય આશ્રમ રોડ વાહનો માટે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો. આ રોડ બંધ થવાથી અત્યાર સુધી બે ભાગમાં વહેંચાયેલો આશ્રમ હવે એક ૫૫ એકરના સંકુલ તરીકે ઉભરી આવ્યો છે. આ ડામરના રોડને હવે પથ્થરના પાથવેમાં ફેરવવામાં આવી રહ્યો છે, જે સંકુલને ઐતિહાસિક દેખાવ આપશે.

આપણ વાચો: સાબરમતી આશ્રમમાં જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં શું લખ્યું ?

નોંધવા જેવી વાત એ છે કે આ પુનઃવિકાસમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. સવાણી હેરિટેજ કન્સર્વેશન દ્વારા હાથ ધરાયેલા આ કામમાં ચૂનો, ઈંટનો પાવડર, ગોળનું પાણી, મેથી, અડદ અને ગૂગળના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મિશ્રણ સિમેન્ટ કરતા વધુ સમય લે છે, પરંતુ વર્ષો જતાં તે વધુ મજબૂત બને છે. ઈમારતોમાં વલસાડી સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે, જેને અળસીનું તેલ અને તમાકુના મિશ્રણમાં ગરમ કરી ભેજમુક્ત બનાવવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૨૮ ઈમારતોનું સમારકામ કે પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સોમનાથ છાત્રાલય, ઈમામ મંઝિલ, ઉદ્યોગ મંદિર, શારદા કુટીર અને જૂનું રસોડું જેવી ઐતિહાસિક ઈમારતો સામેલ છે. ઈમારતોના છત માટે મોરબીથી ખાસ નળિયા મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, હ્રદય કુંજની જેમ જ નવી ઈમારતોના ભોંયતળિયે કોટા સ્ટોન વાપરવામાં આવ્યો છે.

ગાંધી આશ્રમનું રૂપ ઐતિહાસિક દેખાશે પરંતુ નવો આશ્રમ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આખું સંકુલ વાઈ-ફાઈ ઈનેબલ્ડ હશે અને પ્રવાસીઓ માટે ઓડિયો ટૂર ગાઈડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સંકુલના એક છેડે કૃત્રિમ તળાવ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ માટે પાર્કિંગ, ઓરિએન્ટેશન સેન્ટર, કાફેટેરિયા અને સોવેનિયર શોપ જેવી વ્યવસ્થાઓ ઉત્તર છેડે ‘આશ્રય હોટેલ’ પાસે બનાવવામાં આવી રહી છે.

આપણ વાચો: મોદી-મેર્ઝની જુગલબંધી: સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો કરાવ્યો પ્રારંભ…

આશ્રમના જે ભાગમાં ગાંધીજી અને કસ્તુરબા રહેતા હતા, તે હ્રદય કુંજ અને નંદિની (ગેસ્ટ હાઉસ) નું પણ નવીનીકરણ હાથ ધરાયું છે. નંદિની એ ઈમારત છે જ્યાં રવીન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નેહરુ અને મૌલાના આઝાદ જેવા મહાનુભાવો રોકાયા હતા. વિનોબા-મીરા કુટીરના સમારકામ દરમિયાન રેતીમાં દબાયેલું દોઢ ફૂટ ઊંચું પ્લેટફોર્મ (ઓટલો) પણ મળી આવ્યું છે, જેને હવે મૂળ સ્વરૂપમાં લાવવામાં આવ્યું છે.

આશ્રમમાં મ્યુઝિયમ અને પ્રદર્શન તૈયાર કરવાની જવાબદારી ટાટા ગ્રુપની પેટાકંપનીને રૂ. ૧૧૩ કરોડમાં સોંપવામાં આવી છે. જ્યારે ૧૫ કરોડના ખર્ચે હૈદરાબાદના ‘હાર્ટફુલનેસ’ ગ્રુપ દ્વારા સમગ્ર સંકુલમાં લેન્ડસ્કેપિંગ અને વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ સાબરમતી આશ્રમ તેના ભવ્ય અને શાંત ગાંધીવાદી વારસા સાથે વિશ્વભરના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button