શીલજમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ફિલ્મી ઢબે લૂંટ: દીવાલ કૂદી, બારી તોડી પ્રવેશ્યા, ₹૨૨ લાખના દાગીના ચોરી ફરાર…

અમદાવાદ: શહેરમાં ચોરીનો એક મોટો બનાવ બન્યો હતો. જેમાં શીલજ-થલતેજ રોડ પરના આર્યના બંગ્લોઝમાં ત્રણ શખ્સોએ ઘુસીને વૃદ્ધને છરી બતાવીને સોના અને હીરાના ઘરેણા સહિત કુલ ૨૨ લાખ કરતા વધારાની કિંમતની ચોરીને અંજામ આપ્યો હતો. વૃદ્ધ દંપતીએ આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલની ઇન્દ્રજીતસિંહ વાળાને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો અનુસાર, ચાંગોદર વિસ્તારમાં ટેક્ષટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરતા એક વેપારીના ઘરમાં ગત તા. ૨૭ના વહેલી સવારે ત્રણ અજાણ્યા શખ્સોએ ધાડ પાડી હતી. ફરિયાદ મુજબ, રાત્રે આશરે ૧૨:૫૭ વાગ્યાની આસપાસ ચોર ઈસમો મકાનની પાછળની દીવાલ કૂદી, ડાયનીંગ ટેબલ પાસેની કાચની બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.
આશરે દોઢ વાગ્યે વેપારી જાગી જતાં બે મોઢે રૂમાલ બાંધેલા શખ્સોને બેડરૂમમાં જોયા હતા. વેપારીએ બૂમ પાડતા જ એક શખ્સે છરા જેવું હથિયાર બતાવી તેમને હિન્દીમાં “અવા જ મત કરના વરના માર દે” કહી બંદી બનાવી દીધા હતા.
આ ઘટના સમયે વેપારીના પત્ની પલ્લવીબેન જાગી ગયા હતા. લૂંટારાઓ સાથેના ત્રીજા શખ્સે તેમને “ઘરમે જો ભી હે હમે દે દો વરના તુમારે પતિ કો માર દે” તેવી ધમકી આપી તિજોરી બતાવવા જણાવ્યું હતું. ડરી ગયેલા પત્નીએ બેડરૂમમાં આવેલા ડ્રેસિંગ રૂમની લોખંડની તિજોરી બતાવી, જે તેમણે પત્ની પાસે જ ખોલાવી હતી.
તિજોરીમાંથી ચોર ઈસમોએ સોના-હીરાના દાગીના, સોનાની લગડી, રાડો અને લોજીનેશ કંપનીની મોંઘી કાંડા ઘડિયાળો તેમજ રોકડા ₹૧,૦૦,૦૦૦ સહિત કુલ ₹૨૨,૯૧,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી. લૂંટારાઓએ માલમત્તા થેલીમાં ભરી લીધા બાદ દંપતીને કસમ અપાવીને ધમકી આપી હતી કે “જો પુલીસ મે કમ્લેન કરો ગે તો હમ દુબારા આયેંગે ઔર આપકો માર દેંગે”. આ ધમકી આપીને આશરે ૨:૪૮ વાગ્યે તેઓ જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તેથી ફરાર થઈ ગયા હતા. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાયેલું દંપતી આખી રાત બેડરૂમમાં જ બેસી રહ્યું હતું.
વહેલી સવારે પાંચ વાગ્યે તેમણે નીચેના માળે આવી સિક્યુરિટીને બોલાવી ઘરમાં ચેક કરતા બારીનો કાચ તૂટેલો જણાયો હતો. સીસીટીવી ફૂટેજમાં ત્રણ ચોર ઈસમો પ્રવેશતા અને નીકળતા જોવા મળ્યા હતા. ચોરી અને ધમકીના કારણે દંપતી બહુ જ ગભરાઈ ગયેલું હોવાથી થોડા સમય બાદ પોલીસમાં હાજર થઈને ત્રણ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ₹૨૨,૯૧,૦૦૦/-ની ધાડ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



