અમદાવાદમાં 125 લાખ મેટ્રિક ટન કચરામાંથી બનાવવામાં આવ્યો રોડ, પીરાણાના કચરાનો થયો ઉપયોગ

અમદાવાદઃ શહેરનો પીરાણા કચરાનો ડુંગર માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પ્રખ્યાત હતો. જોકે હવે કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદથી ધોલેરા સુધીનો રોડ અમદાવાદના પીરાણાના કચરાનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ રોડ બનવવા માટે એક લેયર માટી, એક લેયર કચરો પછી ફરી માટી અને કચરાના લેયરથી રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ બનાવવા માટે 125 લાખ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ થયો છે. જેમાંથી મનપાએ 1.08 કરોડની રોયલ્ટી આવક પણ મેળવી છે.
પ્રથમ વખત કચરામાંથી બનાવાયો રોડ
રોડ બનાવવા માટે ડામર, સિમેન્ટ, કોંક્રિટ, માટીનો ઉપયોગ થતો હોય છે પરંતુ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કચરામાંથી રોડ બનાવ્યો છે. પીરાણા ડમ્પિંગ સાઇટમાં એકત્ર થયેલા કચરાનો ઉપયોગ કરીને અમદાવાદ-ધોલેરા રોડ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. ધોલેરામાં રોડ રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસીલીટીઝ, પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પુરી થઈ ગઈ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ABCD બિલ્ડીંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૩૦૦ મેગા વોટનો સોલાર પાર્કની પણ કામગીરી પૂરી થઈ છે. ધોલેરા SIRમાં ભીમનાથ ધોલેરા ફ્રેઈટ રેલ્વેલાઈન, 192 બેડની હોસ્પિટલ, 12માં ધોરણ સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાના કામો હાલ ચાલી રહ્યા છે.