અમદાવાદ

અમદાવાદમાં ‘ગેમ’ના બહાને માસૂમ બાળકોનું શોષણ કરતો રિક્ષા ડ્રાઇવર ઝડપાયો!

અમદાવાદઃ શહેરના રામોલ પોલીસે વિકૃત સ્કૂલ વર્ધી રીક્ષા ચાલક રાજકુમાર અભિમન્યુ ઉર્ફે રાજુની ધરપકડ કરી હતી. આધેડ વયનો રીક્ષા ચાલક બાળક અને બાળકીઓ પાસે ગેમ રમાડવાના બહાને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. વાલીઓએ ડ્રાઇવરના વર્તન પર ગંભીર શંકા વ્યક્ત કર્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લગભગ 22 વર્ષથી રામોલ-વસ્ત્રાલ વિસ્તારની વિવિધ શાળાઓના બાળકોને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઇવરે તેની રિક્ષાના આગળના હેન્ડલ પર સફાઈના પોતાં જેવી દેખાતી કપડાની થેલી બાંધી રાખી હતી. તેણે ગુપ્ત રીતે આ થેલીમાં એક કાણું પાડ્યું હતું અને તેમાં ચોકલેટ તેમજ નાના બોલ રાખ્યા હતા. જ્યારે પણ તેને શાળાએથી લેવા કે મૂકવા જતી વખતે તક મળતી, ત્યારે તે પાછળ બેઠેલા બાળકોને “ગેમ” રમવાના બહાને આગળ બોલાવતો હતો. પોલીસે જણાવ્યું કે તે બાળકોને ચોકલેટ અથવા નજીવી રકમની લાલચ આપીને, તેમને પોતાની નજીક અથવા પોતાના ખોળામાં બેસવા માટે મનાવતો હતો. આ દરમિયાન, તે અશ્લીલ હરકત કરતો હતો.

પીડિતોમાં મોટાભાગે 12 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ હતા, જેઓ પ્રસંગોપાત આ ઘટનાઓ વિશે એકબીજા સાથે વાત કરતા હતા. કેટલાક વાલીઓએ તેમની આ વાતચીત સાંભળી અને તેમને ડ્રાઇવરનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. બાળકોના વાલીઓએ પરસ્પર વાતચીત કરી, ત્યારે તેઓને ડ્રાઇવરની વિકૃતિનો ખ્યાલ આવ્યો હતો. જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે તપાસ શરૂ થઈ હતી.

પોલીસે અત્યાર સુધીમાં પાંચ સગીર બાળકોના નિવેદનો નોંધ્યા છે. પ્રારંભિક તપાસ મુજબ, બાળકો છેલ્લા ચાર મહિનાથી આ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આરોપીએ વારંવાર તેમની સાથે ગંદી હરકત કરી હતી. પોલીસ મુજબ જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ પીડિતો સામે આવી શકે છે. આરોપીએ અગાઉના વર્ષોના અથવા તેણે જ્યાં કામ કર્યું હતું તે અન્ય શાળાઓના વિદ્યાર્થીઓને પણ લક્ષ્ય બનાવ્યા હતા કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો…પંજાબનો વોન્ટેડ આરોપી જામનગરમાંથી ઝડપાયો, ATS અને SOGનું સંયુક્ત ઓપરેશન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button