અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ લંબાયું, ખર્ચમાં ₹ 16 કરોડનો ધરખમ વધારો...
અમદાવાદ

અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ લંબાયું, ખર્ચમાં ₹ 16 કરોડનો ધરખમ વધારો…

133 વર્ષ જૂના પુલના મજબૂતીકરણ પ્રોજેક્ટની સમયમર્યાદા છ મહિના લંબાવવામાં આવી

અમદાવાદ: સાબરમતી નદી પર 1892થી ઊભો રહેલો ઐતિહાસિક એલિસ બ્રિજના લાંબા સમયથી રાહ જોવાતા સમારકામને પૂર્ણ થવામાં હવે વધુ સમય લાગશે અને વધુ ખર્ચ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મજબૂતીકરણ અને પુનર્સ્થાપન પ્રોજેક્ટની સમયમર્યાદા છ મહિના લંબાવી છે અને તેનો ખર્ચ ₹ 26.9 કરોડથી વધારીને ₹ 42.9 કરોડ કર્યો છે, જે ₹ 16 કરોડનો વધારો દર્શાવે છે.

11 સપ્ટેમ્બર 2024ના શરૂ થયેલ આ પ્રોજેક્ટ શરૂઆતમાં 18 મહિનામાં એટલે કે માર્ચ 2026 સુધીમાં પૂરો થવાનો હતો, પરંતુ હવે તે સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. અત્યાર સુધીમાં લગભગ 78 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ચોમાસા પહેલા બાકીનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક છે.

આ ઉપરાંત, એએમસીએ ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ અને પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ બદલવા અને લિફ્ટિંગ કામગીરી માટે ₹ 21.6 કરોડના વધારાના કામોને પણ મંજૂરી આપી હતી. રેલવે ઓવરબ્રિજ હેઠળ રમતગમત પ્રવૃત્તિઓ વિકસાવવા માટે અન્ય ₹3.5 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. એએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે પુનર્સ્થાપન પછી, એલિસ બ્રિજ વાહનો માટે નહીં પણ માત્ર પદયાત્રીઓ માટે જ ફરીથી ખોલવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિઝાઇન પ્રૂફ ચેકિંગ એસવીએનઆઈટી દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેમના રિપોર્ટના આધારે કામગીરી ચાલી રહી છે. સાબરમતીમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે કામમાં વિલંબ થયો હતો અને બ્રિજના પિલર્સને મજબૂત કરવાનું કામ હજી બાકી છે. સુધારેલો લક્ષ્યાંક આગામી ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે એએમસીએ 2019માં એલિસ બ્રિજના પુનર્સ્થાપન માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી. કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેનો અંદાજ મૂળ ₹ 19.6 કરોડ હતો. જોકે, ફાઇનલ વર્ક ઓર્ડર 36.6 ટકા વધુ ખર્ચે એટલે કે ₹ 26.9 કરોડમાં આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…એલિસબ્રિજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી 35 લાખ કર્યા રિકવર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button