ગુજરાતમાં ફરી મેઘમહેર: ઉત્તર ગુજરાતમાં ધોધમાર, 6 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં એક લાંબા વીરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ રાઉન્ડમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાત પર હેત વરસાવ્યું હતું. રાજ્યનાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં રાજ્યના છ જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ઉલ્લેખનીય છે કે ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે.
ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૪,૨૭૮ નાગરિકોનું સ્થળાંતર અને ૬૮૯ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આપણ વાંચો: ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.
એસટી સેવા વરસાદમાં પણ આપી રહી છે સેવા
ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ ૧૪,૫૯૮ એસ.ટી. રૂટ પરની ૪૦,૨૬૪ ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.