કોર્ટ કિસ્સાઓના કારણે શિક્ષકોની કેટલીક ભરતીમાં વિલંબઃ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતું. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વિલંબ સંભવિત હોવાનું શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગી પ્રક્રિયા પારદર્શક છે અને ન્યાયિક મામલા સાથે સંકળાયેલા કોર્ટ કિસ્સાઓના કારણે કેટલીક ભરતી વિલંબ થાય છે.
કચ્છ જિલ્લાની ભરતી પ્રક્રિયા અંગે શું કહ્યું?
પ્રધાને ઉમેદવારોને વધુ સમય આપવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે એમની ટીમ સાથે ચર્ચા પણ થઇ રહી છે તેમ ઉમેર્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં જલ્દી જ શિક્ષકોની ભરતીઃ શિક્ષણ પ્રધાનની જાહેરાત…
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કચ્છ જિલ્લાની ભરતી પ્રક્રિયા પ્રતિનિધિ વિભાગ દ્વારા ઝડપથી ચાલી રહી છે. આ સાથે સાથે નવી ટેટ અને ટાટ પરીક્ષાઓ પાસ કરી હશે તે તમામ ઉમેદવારોને પૂરતી તક આપશે.
શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકારે પારદર્શકતા જાળવી તમામ ભરતી પ્રક્રિયાઓમાં ન્યાયસંગત પગલાં લેવાનો પ્રયાસ કર્યો છે અને વિલંબ માટે યોગ્ય કારણો હોય ત્યારે તે દૂર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કચ્છ જિલ્લામાં 4 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, કેટલીક શાળામાં એકપણ શિક્ષક નથી, એની ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જ ખબર નથી.
લખપત તાલુકામાં સૌથી વધુ 66 ટકા શિક્ષકોની ઘટ છે તો અબડાસામાં 61 ટકા ઘટ છે, જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછા 13 ટકા શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ એ કંઇ આજકાલનો મુદ્દો નથી. સ્થાનિકો મુજબ આ સમસ્યા 30 વર્ષ જૂની છે. કચ્છમાં શિક્ષકોની ઘટનું મુખ્ય કારણ જિલ્લા બદલી હોવાનું પણ સામે આવ્યું હતું.