અમદાવાદ દેશનું સૌથી સસ્તું રિયલ એસ્ટેટ માર્કેટ, મુંબઈનો EMI-ટુ-ઈન્કમ રેશિયો 47 ટકા…

અમદાવાદઃ રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, અમદાવાદ દેશનું સૌથી વધુ પરવડે તેવું રિયલ એસ્ટેટ માર્કેટ છે. દેશના 8 મુખ્ય શહેરો – મુંબઈ, એનસીઆર, બેંગલુરુ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ વાત સામે આવી હતી.
અમદાવાદનો કેટલો છે EMI-ટુ-ઈન્કમ રેશિયો
અહેવાલ મુજબ, અમદાવાદનો EMI-ટુ-ઈન્કમ રેશિયો 18 ટકા છે. જ્યારે પુણે અને કોલકાતા 22 ટકા સાથે બીજા ક્રમે છે. જ્યારે મુંબઈનો EMI-ટુ-ઈન્કમ રેશિયો 47 ટકા છે. આ ઈન્ડેક્સ દર્શાવે છે કે કોઈ ચોક્કસ શહેરમાં ઘર ખરીદવા માટે પરિવારને તેમની આવકનો કેટલો હિસ્સો માસિક હપ્તા (EMI) પાછળ ખર્ચવો પડે છે. જો કોઈ શહેરનો એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 40 ટકા હોય, તો તેનો અર્થ એ છે કે તે શહેરના પરિવારોએ સરેરાશ તેમની આવકના 40 ટકા હિસ્સો હોમ લોનના EMI ભરવા માટે વાપરવો પડે છે. 50 ટકાથી વધુનો રેશિયો ‘બહારની મર્યાદા’ ગણાય છે, કારણ કે સામાન્ય રીતે બેંકો આ મર્યાદાથી વધુ રકમ પર લોન આપવાનું ટાળતી હોય છે.
અમદાવાદના એફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં સુધારો
રિપોર્ટ અનુસાર, 2025માં વ્યાજ દરોમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ઘર ખરીદનારાઓ માટે આવાસ વધુ પરવડે તેવા બન્યા છે. 2010માં અમદાવાદનો એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 46 ટકા હતો, જે 2025માં સુધરીને 18 ટકા થયો છે. 2019માં આ આંકડો 25 ટકા હતો, જે ત્યારપછી સતત સુધરી રહ્યો છે: 2020માં 24 ટકા, 2021માં 20 ટકા, 2022માં 22 ટકા, 2023માં 21 ટકા અને 2024માં 20 ટકા નોંધાયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, ઘર ખરીદનારાઓની માંગ અને વેચાણની ગતિ જાળવી રાખવા માટે આવાસ પરવડે તેવા હોય તે જરૂરી છે, જે બદલામાં દેશના અર્થતંત્ર માટે મુખ્ય ચાલક બળ તરીકે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ કિંમતો અને આવકના સ્તર બંનેમાં વધારો થયો છે. સામે પક્ષે હોમ લોનના વ્યાજ દરો રેપો રેટ મુજબ ઘટ્યા છે, જેમાં આ વર્ષે 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો…ફ્લેટને બદલે પ્લોટ: ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા ટ્રેન્ડ પાછળના કારણો જાણો?



