સારા સમાચાર: રવિ પાકોના ટેકાના ભાવમાં સરેરાશ ૪ થી ૧૦% નો વધારો; ઘઉં, ચણા, રાયડાના ભાવમાં મોટો વધારો

અમદાવાદ: ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૪ થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૬૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૨૨૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૫૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.
રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિ. (રૂ. ૫૧૭ પ્રતિ મણ), જવ માટે રૂ. ૨,૧૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૪૩૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ), મસૂર માટે રૂ. ૭,૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૪૦૦ પ્રતિ મણ), રાયડા માટે રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. ૬,૫૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૩૦૮ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
આમ, વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૬૦ થી રૂ. ૬૦૦ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર, મગફળીનું સૌથી વધુ…