
અમદાવાદ: ગુજરાતી ભાષાનાં પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક રજનીકુમાર પંડયાનું 86 વર્ષની વયે દેહાંત (Rajnikumar Pandya Death) થયું છે. મૂળ સૌરાષ્ટ્રનાં જેતપુરનાં જન્મેલા રજનીકુમાર પંડયાનું ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તેમજ સ્ટેટ્સમૅન ઍવૉર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડથી સન્માન થયું છે.
સવિતા વાર્તાસ્પર્ધામાં બે વાર તેમને સુવર્ણચંદ્રકો પણ એનાયત થયેલા. વર્ષ 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવૉર્ડ, પત્રકારિત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
તેમનું સાહિત્ય પ્રદાન
તેમના લેખનની શરૂઆત વર્ષ 1959થી થઈ હતી. વર્ષ 1977માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી અને ‘ઝબકાર’ શ્રેણીનાં પ્રસંગ આલેખનો, ઉપરાંત દૈનિકપત્રોમાં પ્રગટ થયેલ લેખોની ‘મનબિલોરી’ તથા રેખાચિત્રોની ‘ગુલમહોર’ વગેરે લોકપ્રિય કટારો તેમણે આપી. તેમની નવલકથાઓએ તેમને વિશેષ નામના આપી. તેમની નવલકથાઓ ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’ પ્રગટ થઈ. તેમની યશકલગી સમાન ‘કુંતી’ (ભાગ 1-2) વર્ષ 1991માં પ્રકાશિત થઈ. તેના પરથી અધિકારી બંધુઓ અને નિમેષ દેસાઈએ તેના ઉપરથી રાષ્ટ્રીય દૂરદર્શન ઉપર હિંદીમાં ટીવી સીરીયલો બનાવી હતી.
Read This…ઠાકોર સમાજને અપમાન મુદ્દે વિક્રમ ઠાકોર મેદાને, “તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર….
તાજેતરમાં માતૃભાષા દિવસ પર મુંબઇ સમાચાર સાથે તેમણે વાત કરી હતી. તેમની વાર્તાઓ મુંબઇ સમાચારનાં વિશેષ અંકોમાં અચૂક પ્રકાશિત થતી તે યાદગીરી પણ તેમણે શેર કરી હતી. આ ઉંમરે પણ તેમનું વાંચન અકબંધ રહ્યું હતું. ટેકનોલોજી સાથે પણ તેનો ઘરોબો, તેમનો માત્ર દેહ જ વૃદ્ધ થયેલો પણ મન નહીં.