અમદાવાદ

વ્યાજખોરોના ત્રાસ યથાવત, રાજકોટના રિક્ષાચાલકે કંટાળી મોતને વ્હાલું કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાતભરમાં વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો થતી રહે છે. વ્યાજખોરોના રંજાડથી જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ પણ ઘણી બનતી રહે છે. આવી જ ઘટના ફરી રાજકોટમાં બની હતી, જેમાં વ્યાજખોરોને પૈસા આપી દીધા હોવા છતાં કથિત ત્રાસ ચાલુ રહેતા એક રિક્ષાચાલકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.

રિક્ષાચાલક અમિતભાઈ તન્નાએ આ પગલું ભરતા પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. તેમનો વીડિયો જોઈ તેમણે અનુભવેલા માનસિક ત્રાસનો અંદાજો લગાવી શકાય છે. સ્યૂસાઈડ નોટમાં તેમણે જયદીપ દિનેશભાઈ મૈયડ (બોરીચા)ને આ માટે જવાબદાર ઠેરવ્યો છે.

વર્ષ 2018માં અમિતભાઈએ રિક્ષા ખરીદવા માટે જયદીપ પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ આ રકમ ચૂકવવા માટે તેમણે તેમને દોઢ લાખની કિંમતની રિક્ષા તેમને સોંપી દીધી હતી. અમિતભાઈએ કરેલા આક્ષેપ અનુસાર જયદીપે તેમના નામે કોરા ચેક પર સહી કરી તેમની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. અમિતભાઈએ કહેલા આક્ષેપ અનુસાર તેમણે પૈસા ચૂકવી દીધા હોવા છતાં તેમની કનડગત થતી હતી.

તેમણે વીડિયોમાં કહ્યું હતું કે મેં કોઈના આટલા બધા પૈસા લીધા નથી, મારા નામે જૂઠ્ઠાણું ચલાવાય છે. કોર્ટ ભલે તમને જામીન આપે પણ માતાજી ક્યારેય નહીં છોડે. તેમના પત્નીએ પણ આક્ષેપ કર્યો હતો કે તેમને વ્યાજખોરો ફોન કરીને પજવતા હતા અને તેમની પાસેથી સતત પૈસા માગતા રહેતા હતા. પોલીસે બોરીચા વિરુ્ધ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button