શુક્રવારથી રાજકોટ-પોરબંદર વચ્ચે બે નવી ટ્રેન દોડશે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને લાભ

અમદાવાદઃ સૌરાષ્ટ્રના બે શહેરો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમ જ ઉત્તર ગુજરાતના શહેરોને જોડતી રેલવે સેવાની ગણી માગ રહે છે. એક શહેરથી બીજા શહેર જવા માટે મોટાભાગે લોકો એસટી અથવા ખાનગી બસસેવા પર નિર્ભર છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ઘણા સારા સમાચાર છે.
આગામી 14મી નવેમ્બર, 2025 એટલે કે શુક્રવારથી પોરબંદર અને રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન દોડતી થશે. આ સેવાની જાહેરાત થોડા સમય પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી હતી. હવે શુક્રવારથી બન્ને સેવાઓનો લાભ પ્રવાસીઓ લઈ શકશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. આ સેવા શરૂ થતાં રાજકોટ, પોરબંદર સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પણ લાભ થશે.
આપણ વાચો: છઠ પૂજા પહેલા બિહારીઓ માટે ઘરે જવાનું મુશ્કેલ: 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન, વિમાન ભાડાં આસમાને…
નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને 14 નવેમ્બરે લીલી ઝંડી આપવાની સાથે કેન્દ્રિય પ્રધાન ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો રાજકોટથી પોરબંદરની ટ્રેનમાં મુસાફરી કરશે.
કેન્દ્રીય પ્રધાન ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે.



