અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોલીસનું જાહેરનામું: ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આગામી ૧૪મી જાન્યુઆરીએ ઉજવનારા મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામા અનુસાર, શહેરમાં ૧૨/૦૧/૨૦૨૬થી ૨૧/૦૧/૨૦૨૬ સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલથી બનેલા કાચ પાયેલા જોખમી દોરાના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આકાશમાં ઉડાડવામાં આવતા ચાઇનીઝ તુક્કલ (સ્કાય લેન્ટર્ન) અને ચાઇનીઝ લોન્ચર પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે તેનાથી આગ લાગવાના અને પક્ષીઓ તેમજ મનુષ્યોને ગંભીર ઈજા થવાના કિસ્સાઓ બને છે.
આ પણ વાંચો : ઉત્તરાયણને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું; ચાઈનીઝ દોરી, ટુક્કલ અને ડીજે વગાડવા પર પ્રતિબંધ
જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ, જાહેર માર્ગો કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા, લાઉડ સ્પીકર દ્વારા અવાજનું પ્રદૂષણ કરવું અને પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખવા પર પ્રતિબંધ રહેશે. રસ્તાઓ પર પતંગ પકડવા માટે લાંબા વાંસના ઝંડા કે લોખંડના તારના લંગર લઈને દોડાદોડી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે તેનાથી વાહનચાલકો અને વીજ લાઈનોને જોખમ રહે છે.
આ ઉપરાંત, માર્ગો પર ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનાર ગૌપાલકો સામે પણ પગલાં લેવાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.



