રાજકોટ સિવિલ વિવાદમાં: કરોડોના ટેન્ડરમાં સરકારી નિયમોમાં ગેરરીતિના આક્ષેપો

250 બેડની હોસ્પિટલનો અનુભવ અને ઊંચી ડિપોઝિટ જેવી ‘ખાસ’ શરતોથી ઉઠી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ગત ૨૩ જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલ દ્વારા દવાઓના સપ્લાય માટે અંદાજે ૨ કરોડ રૂપિયાનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
જોકે, આ ટેન્ડર પ્રક્રિયામાં સરકારના પ્રવર્તમાન નિયમોને નેવે મૂકીને હોસ્પિટલ તંત્ર દ્વારા પોતાના અલગ જ નિયમો થોપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ટેન્ડર કોઈ ખાસ ‘લાગતા-વળગતા’ લોકોને જ મળે તે રીતે તેની શરતો નક્કી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આપણ વાચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય કમિશનરે સત્તાધિશોને બરાબરના ખખડાવ્યા
આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારી નિયમ મુજબ ટેન્ડરની રકમના ૩ટકા ડિપોઝિટ ભરવાની હોય છે, જે ૨ કરોડના ટેન્ડર મુજબ ૬ લાખ રૂપિયા થાય. તેની સામે રાજકોટ સિવિલ હોસ્પિટલે ૧૦ લાખ રૂપિયાની ડિપોઝિટ માંગી હોવાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત, નિયમ મુજબ ડિપોઝિટ તરીકે બેંક ગેરેન્ટીનો ટેન્ડરમાં ઉલ્લેખ નહિ કરાયાનો પણ આક્ષેપ છે.
ટેન્ડરમાં ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલી દવાઓની સપ્લાય કરવાનો ઉલ્લેખ છે, કોઈ એક કંપની આટલી મોટી સંખ્યામાં દવાઓ આપી શકે નહીં, તેથી અલગ-અલગ સેક્શન પાડવામાં આવ્યા છે. છતાં, જો કોઈ વેપારી માત્ર ૩૦-૪૦ લાખના એક સેક્શનનું ટેન્ડર ભરે તો પણ તેણે પૂરેપૂરી ૧૦ લાખની ડિપોઝિટ ભરવી પડે તેવી શરત મુકાતા દવાનો ભાવ ઊંચો જવાની શક્યતા વર્તાઈ રહી છે.
આપણ વાચો: ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, અમદાવાદ-રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી…
એવો પણ આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા એમએસએમઇના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે તેમજ ગાઈડલાઈન મુજબ આઈટી રિટર્ન રજૂ કરવાના હોતા નથી, તેમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ત્રણ વર્ષના આઈટી રિટર્ન માંગવામાં આવ્યા છે. સાથે જ, ૨૫૦ બેડની હોસ્પિટલમાં સપ્લાયનો અનુભવ હોવો જોઈએ તેવી નવી શરત પણ ઉમેરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયામાં પણ તંત્રની મનમાની અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ સમાચારની આ અંગેની તપાસના વાવડથી સિવિલ હોસ્પિટલે તાત્કાલિક ટેન્ડરમાં શરતોમાં ફેરફાર કર્યો છે, જો કે તેમ છતાં હજુ પણ સંપૂર્ણરીતે સરકારીની ગાઈડલાઈન પ્રમાણે ટેન્ડર થયું નથી તેવું જાણકારોનું કહેવું છે.



