છેતરપિંડીની અમુક રકમ ભાજપ પાર્ટીફંડમાં પણ ગઈઃ રાજકોટના રાજકારણમાં ધમાલ

અમદાવાદઃ રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે વેપારી મહેશ હીરપરાએ લગાવેલા આક્ષેપોમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ ઢોલરીયાએ તમામ આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને વેપારી પર રૂ. 10 કરોડનો દાવો પણ કર્યો હતો.
ક્રિપ્ટો કરન્સીના નામે અને શેરબજારમાં પ્રોફીટ કરી આપવાના બહાને રૂ. 4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ ઢોલરીયા સહિત પાંચ સામે કરવામાં આવ્યો હતો.
વેપારીએ હવે કહ્યું હતું કે મુંબઈના વેપારી હરી ભાઈ પટેલને ભાજપ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને ગર્ભિત ધમકીઓ આપી પૈસા પડાવવાની કોશિશ થઈ હતી. ઢોલરીયાને મળેલી રકમમાંથી અમુક નાણા ભાજપના પાર્ટી ફંડમાં ગયા હોવાનો ગંભીર આક્ષેપ પણ તેણે કર્યો હતો.
આપણ વાચો: જૂનાગઢમાં કોંગી MLAનું નામ લખીને યુવકે કર્યો આપઘાત, રાજકીય ષડયંત્ર હોવાનું MLAનું રટણ
ઢોલરીયાએ દાવો કર્યો હતો કે આ લોકોને હું ઓળખતો પણ નથી ત્યારે હીરપરાનું કહેવાનું છે કે જો ઓળખતા ન હતા તો ભાજપના કાર્યાલયમાં જ દોઢ કલાક માટે બેઠક શા માટે કરવામાં આવી હતી.
ઢોલરીયાએ આ મામલે જણાવ્યું હતું કે તેમને વડતાલ સ્વામિનારાયણ મંદિરના મહંત નૌતમ સ્વામીનો મને ફોન આવ્યો હતો કે હરિભગત એવા મુંબઈના વેપારીની મદદ કરજો આથી હું બે જણને કાર્યાલયમાં મળ્યો હતો.
આ બન્નેએ દર્પણ બારસીયાનું નામ લીધું હતું. હું દર્પણને ઓળખું છું અને મેં દર્પણને આ મામલે કહ્યું હતું ત્યારે તેણે વેપારીઓ પાસેથી પૈસા લેવાના બાકી હોવાનું જણાવ્યું હતું.
હવે આ મામલે એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મામલો રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.



