રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર માલિયાસણ ટોલ પ્લાઝાનો વિરોધ: કોંગ્રેસે રજૂઆત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર માલિયાસણ ગામ નજીક બની રહેલા નવા ટોલ પ્લાઝાથી દૈનિક હજારો વાહન ચાલકોને આર્થિક બોજ પડવાની શક્યતા તેમજ ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થવાની ભીતિ હોય સૌરાષ્ટ્ર કોંગ્રેસે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે શહેરની સીમાની સાવ નજીક ટોલ પ્લાઝા હોવાથી પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગશે, જેનાથી શહેરના આંતરિક ટ્રાફિક પર પણ માઠી અસર પડશે.
આપણ વાચો: સેનાના જવાન સાથે મારપીટ કરી ભારે પડી! NHAIએ મેરઠ ટોલ પ્લાઝા સામે કરી મોટી કાર્યવાહી
સૌથી ગંભીર બાબત એ છે કે રાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ હોવાથી મુસાફરો ટ્રાફિક જામમાં ફસાઈ શકે છે અને સમયસર નહીં પહોંચવાને કારણે ફ્લાઈટ ચૂકી જવાની ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત, વાહનોની લેન બદલાવવાની પ્રક્રિયાને કારણે અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે મોટો ખતરો છે.
આ ટોલ પ્લાઝા માત્ર પરિવહન મોંઘું નહીં કરે, પરંતુ સામાન્ય નાગરિકો અને ખેડૂતો પર મોટો આર્થિક બોજ પણ નાખશે. એરપોર્ટ ટેક્સી અને કેબના ભાડામાં વધારો થતા વિદ્યાર્થીઓ અને દર્દીઓને મુશ્કેલી પડશે.
રાજકોટનો રિંગ રોડ-૩ આ ટોલ પ્લાઝાની મર્યાદામાં આવતો હોવાથી શહેરી નાગરિકોને શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ટોલ ચૂકવવો પડશે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ટોલનાકાને એરપોર્ટ પછી ખસેડવામાં આવે, જેથી શહેરની આંતરિક અવરજવર કરતા લોકોને અન્યાય થાય નહીં.



