અમદાવાદ

રાજકોટના પરિવારે 14 વર્ષની દીકરીને એવી રીતે આપી આખરી વિદાય કે તમે પણ રડી પડશો

અમદાવાદઃ દેશમાં રોજ અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે. આપણે એકાદ સમાચાર વાંચી ભૂલી જઈએ છીએ, પરંતુ એક અકસ્માત કોઈના જીવનમાં કેવો સુનકાર સર્જી શકે છે, તે રાજકોટના આ કિસ્સા પરથી જાણી શકાય છે.

રાજકોટમાં એક અકસ્માતે એક સમૃદ્ધ દંપતીનું એકનું એક સંતાન છીનવી લીધું હતું. આ અકસ્માતમાં કોટેચા દંપતીનું એકનું એક સંતાન ધ્રુવી મૃત્યુ પામી હતી જ્યારે માતા દર્શનાબહેન હજુ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. જોકે તેમની જ ઈચ્છાના પગલે પતિ દેવાંગ કોટેચા અને પરિવારે ધ્રુવીને દુલ્હનની જેમ શણગારી અંતિમ વિદાય આપી હતી, ત્યારે ખૂબ જ ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

આપણ વાચો: અકસ્માતના બે વર્ષ બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારને 31 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

રોજ સ્કૂલ વેનમાં જતી ધ્રુવીને સાતમી નવેમ્બરે અમુક કારણોસર માતા દર્શના પોતાના ટુ-વ્હીલરમાં સ્કૂલેથી લેવા ગયા હતાં. હજુ સ્કૂલેથી થોડે જ દૂર આમ્રપાલી સુધી પહોંચ્યા ત્યાં એક પુરપાટ આવતી કારે બન્નેને જોરદાર ટક્કર આપી હતી અને તેઓ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન જ રવિવારે ધ્રુવીનું મોત નિપજ્યું હતું જ્યારે માતા હજુ પણ આઈસીયુમાં છે અને તેમણે ઘણી સર્જરીમાંથી પસાર થવું પડશે, તેવી માહિતી ડોક્ટરો પાસેથી મળી હતી.

માતા તો દીકરીને અંતિમ વિદાય આપવા આવી શકી ન હતી, પરંતુ તેની ઈચ્છા અનુસાર ધ્રુવીના હાથ અને પગના કંકુછાપા લેવામાં આવ્યા હતા અને દીકરીને શણગારીને વિદાય કરી હતી. આ તમામનું વીડિયો રેકોર્ડિંગ દીકરીની યાદ તરીકે કરવામાં આવ્યું હતું. તેમના નિવાસ્સથાને આવેલા તમામ માટે આ અસહ્ય એવા દૃશ્યો હતા.

આ ઘટના બાદ કારચાલક કૃતિકા શેઠ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button