
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તળાજામાં 3.11 ઈંચ, તલોદમાં 2.7 ઈંટ, વઢવાણમાં 2.09 ઈંચ, નવસારીમાં 2.05 ઈંચ, દાંતીવાડામાં 1.77 ઈંચ, અંકલેશ્વરમાં 1.73 ઈંચ, ગઢડામાં 1.65 ઈંચ, જલાલપોરમાં 1.46 ઈંચ વરસાદ વરસ્યો હતો.

112 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ
રાજ્યમાં એક તાલુકામાં 4 ઈંચથી વધારે, એક તાલુકામાં 3 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ચાર તાલુકામાં 2 ઈંચથી વધારે, 13 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 112 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
સિઝનનો કુલ વરસાદ 54.14 ટકા
રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 54.14 ટકા થયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 63.95 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 56.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.73 ટકા, સૌરાષ્ટ્રમાં 53.48 ટકા અને પૂર્વ મધ્યમાં 50.73 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં ચોમાસાની બીજા રાઉન્ડની શરૂઆત વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
જળાશયોની શું છે સ્થિતિ
રાજ્યમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.66, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.70, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59.11, કચ્છના 20 ડેમમાં 56.24, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64.52 અને સરદાર સરોવર જળાશયમાં 56.78 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી. મધ્ય ગુજરાતના બે, દક્ષિણ ગુજરાતમાં પાંચ, કચ્છમાં પાંચ, સૌરાષ્ટ્રમાં 16 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.રાજ્યના 207 જળાશયોમાં 59.03 ટકા પાણીનો જથ્થો છે.
આ પણ વાંચો…અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ