અમદાવાદમાં આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા અને ગરબા આયોજકોની વધી ચિંતા

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, આ સમયે જ હવામાન વિભાગની આગાહીથી ખેલૈયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેલૈયા સહિત ગરબા આયોજકની ચિંતા વધી હતી.
અમદાવાદમાં ક્યારે છે વરસાદની આગાહી
28 સપ્ટેમ્બરે, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 29 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. 1 ઓક્ટોબરના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં કેટલો પડ્યો સરેરાશ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સરેરાશ 111.22 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 136.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્યમાં 113.28 ટકા, સૌરાષ્ટ્રમાં 95.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117.07 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 96 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 95.26 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 146 ડેમ હાઈ એલર્ટ છે, જ્યારે 112 ડેમ 100 ટકા ભરાયેલા છે. ગુજરાતમાં પંચાયત હસ્તકના 60 સહિત કુલ 69 રોડ રસ્તા બંધ છે.
આપણ વાંચો: Video: ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે? સવાલ પૂછતા દાદા-પાટીલે શું કર્યું