દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી! ઠંડીનો ચમકારો વધશે | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી! ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારની પહેલા જ હવામાનમાં ગુલાબી ઠંડીની અસર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીમાં વધારો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ટાણે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાંપટા પડી શકે છે. એટલે નોરતા બાદ દિવાળી અને નુતન વર્ષના તહેવારના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટેની આગાહી જાહેર કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન (ઠંડી) માં વધારો થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ૧૭ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથેના ઝાપટાં પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન (ગરમી) માં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, ન્યૂનતમ તાપમાન (ઠંડી) માં આગામી ૩ દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તેમાં ૨ થી ૩°C નો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે, જેનો અર્થ છે કે રાત્રીનું વાતાવરણ થોડું ઓછું ઠંડું બની શકે છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં વ્યાપક ભિન્નતા જોવા મળી હતી. રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૩°C નોંધાયું હતું, જ્યારે સરેરાશ ન્યૂનતમ તાપમાન ૨૧.૧°C રહ્યું હતું. વિવિધ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો, સુરત અને વેરાવળ બંનેમાં ૩૫°C સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભુજ, નલિયા, રાજકોટ, કેશોદ અને અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪°C રહ્યું હતું, જ્યારે વડોદરા અને મહુવામાં મહત્તમ તાપમાન અનુક્રમે ૩૩°C અને ૩૪°C નોંધાયું હતું.

આ પણ વાંચો…દિવાળીની સાથે શિયાળાનો માહોલ: મહુવા ૧૮° સાથે ઠંડુંગાર, ભાવનગર, દીવમાં તાપમાન ૨૦° સે. સુધી ગગડ્યું…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button