
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. માછીમારોને 12 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લખપતમાં સૌથી વધુ 5.55 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, ભાભરમાં 4.29 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણામાં 3.74 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 2.95 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 106.94 ટકા વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 106.94 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 117.03 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 116.12 ટકા, પૂર્વ મધ્યમાં 110.07 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા વરસાદ નોંધાયો છે.
11 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ નર્મદા ડેમ 91 ટકા ભરાયો હતો. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 86.04 ટકા જળસંગ્રહ છે. 101 ડેમ સો ટકા ભરાયેલા છે, જ્યારે 132 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં 64 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 18 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 12 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં 11 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. 19 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર છે.
392 રોડ રસ્તા બંધ
રાજ્યમાં વરસાદના કારણે પંચાયત હસ્તકના 344, સ્ટેટ હાઈવે 24, અન્ય માર્ગ 21 તથા નેશનલ હાઈવે મળી કુલ 392 રોડ રસ્તા બંધ છે. બનાસકાંઠામાં 44, વલસાડમાં 40, નવસારીમાં 33, સુરતમાં 28, તાપીમાં 28, વડોદરામાં 27, પોરબંદરમાં 24, ખેડામાં 20, મહિસાગરમાં 18, કચ્છમાં 15, પાટણમાં 15, છોટા ઉદેપુરમાં 15, અરવલ્લીમાં 13, આણંદમાં 13 રસ્તા બંધ છે. રાજ્યમાં વરસાદના કારણે એસટીના 92 રૂટ બંધ રહ્યા હતા. વડોદરાના 1 રૂટની 4 ટ્રીપ, ભુજના 15 રૂટની 36 ટ્રીપ, બનાસકાંઠાના 75 રૂટની 401 ટ્રીપ, મહેસાણાના 1 રૂટની 3 ટ્રીપ મળી કુલ 92 રૂટ બંધ રહ્યા હતા.
કચ્છ જિલ્લા કલેકટરે શું કરી અપીલ
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા અને કચ્છના 7 જેટલા રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. કચ્છમાં ધોધમાર વરસાદથી ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે નાગરિકોને ડેમ, નદી, નાળા અને જળાશયો જેવા જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી હતી.
પંચમહાલમાં જળબંબાકારની સ્થિતિ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ તેની 142 ફૂટની ભયજનક સપાટીએ પહોંચ્યો હતો, જેના પરિણામે વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું. તંત્ર દ્વારા ડેમના નીચેના વિસ્તારોમાં આવેલા 24થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો…..ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ