સૌરાષ્ટ્રમાં સીઝનનો ૮૬.૫૧ ટકા વરસાદ નોંધાયો: ૯૦ થી વધુ ડેમ હાઇએલર્ટ-વોર્નિંગ પર

અમદાવાદ: થોડા દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી હતી. આ રાઉન્ડમાં અમરેલી, જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વિસાવદરમાં 2.4 ઇંચ, સુત્રાપાડામાં 2.09 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.69 ઇંચ, બગસરામાં 1.42 ઇંચ, ભેંસાણમાં 1.14 ઇંચ, કુંકાવાવ વડિયામાં 1.02 ઇંચ, ધારીમાં 0.71 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અત્યારસુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 86.51 ટકા વરસાદ પડી ગયો છે અને તેના કારણે સૌરાષ્ટ્રના અનેક જળાશયો ભારે ચૂક્યા છે. અમરેલીના 6 ડેમ, ભાવનગર 9 ડેમ, બોટાદ 5 ડેમ, દેવભૂમિ દ્વારકાના 11 ડેમ, ગીર સોમનાથ 3 ડેમ, જામનગરના 11 ડેમ, જૂનાગઢ 8 ડેમ, મોરબી 1 ડેમ, પોરબંદર 4 ડેમ, રાજકોટના 15 ડેમ હાઇએલર્ટ પર છે. જેમાં સૌરાષ્ટ્રના મોટા જળશયો ગણાતા શેત્રુંજી, ઓઝત, હિરણ સહિતનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત ધારી ખોડિયાર ડેમ, વ્રજમી ડેમ, પૂના ડેમ, લીંબડી ડેમ, કનિયાડ ડેમ, સુબરી ડેમ, ભાદર 2 ડેમ, મચ્છુ 3 ડેમ, સારણ ડેમ, સુખભાદર ડેમ, લીંબડી ભોગાવો ડેમ, સાબલી ડેમ, માલપરા ડેમ, ઉમિયાસાગર તેમજ રાણા ખીરસરા ડેમ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના 8 જળાશયો વોર્નિંગ પર છે. સૌરાષ્ટ્રના મુખ્ય જળાશયોમાં રહેલા જળસંગ્રહની વાત કરી તો મચ્છુ 1 ડેમમાં 89.08 ટકા, ભાદર ડેમમાં 65.37 ટકા, ઉંડ 1 ડેમમાં 69.02 ટકા, મચ્છુ 2 ડેમમાં 66.27 ટકા, શેત્રુંજી 100 ટકા જેટલો જળસંગ્રહ છે.
આ પણ વાંચો…ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…