
અમદાવાદ: રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ૬ જુલાઇના રોજ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 6.10 ઇંચ વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં આ વર્ષે ચોમાસાના પ્રારંભે જ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં પડેલા ધોધમાર વરસાદે છેલ્લા દસ વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો હતો અને સીઝનની શરૂઆતમાં જ લગભગ ૩૭ ટકા વરસાદ વરસી ગયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં વરસાદે રવિવારે પણ રજા ન લીધીઃ જાણો આંકડા સાથેની વિગતો
રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૬ જુલાઇના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 6.10 ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે સુરતના બારડોલીમાં ૪.૯૨ ઇંચ, ડાંગના સુબીરમાં ૪.૮૦ ઇંચ, સુરતના પલસાણામાં ૪.૪૫ ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં ૪.૦૯ ઇંચ, તાપીના વ્યારામાં ૩.૬૬ ઇંચ, નવસારીના વાંસદામાં ૩.૫૪ ઇંચ તેમજ તાપીના સોનગઢમાં ૩.૦૭ ઇંચ વરસાદ પડ્યો હતો.
આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદઃ 80 ટકા વાવેતર થયું
૨૨ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ
તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ભાવનગર, વાલોડ, વઘઇ, સુરત શહેર, નવસારી, શિહોર, ચિખલી, બાબરા, ગઢડા, મહુવા, ઘોઘા, મેઘરજ, ગણદેવી સહિત રાજ્યના ૨૨ તાલુકામાં ૨ ઇંચથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.
અમદાવાદમાં પણ વરસાદી માહોલ
આ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. દિવસે અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ બાદ સાંજે શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ચાર કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરના પૂર્વ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પૂર્વ વિસ્તારમાં આ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા હતા.