ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં ફરીથી વરસાદ? જાણો અંબાલાલ પટેલની માવઠાની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ભલે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય પરંતુ વરસાદ ગુજરાતનો સાથ હજુ છોડે તેવું લાગી રહ્યું નથી. દિવાળી બાદ ફરીથી વરસાદ ગુજરાતમાં દેખા દઈ શકે છે અને આવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
મળતી વિગતો અનુસાર, દિવાળી પહેલા વરસાદે રાજ્યમાંથી સત્તાવાર રીતે વિદાય લીધી હતી અને ધીમે ધીમે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ઊંચું તાપમાન અને વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં પણ ખાસ્સો ફેરફાર જોવા મળી રહ્યો છે. જો કે હજુ વરસાદ ગુજરાતનો સાથ છોડી શકે તેમ નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઓકટોબરના અંત અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે, તે સિવાય દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોમાં ચિંતા જગાવી છે. સૌરાષ્ટ્રમાં મગફળીની લણણી સમયે વરસાદે સંકટ ઊભું કર્યું હતું, ત્યારે હવે ફરીથી વરસાદની આગાહીથી કપાસના પાકને મોટાપાયે નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં સાત દિવસ માવઠાનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાં સાત દિવસ સુધી માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ, 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જેના કારણે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયુક્ત પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતની આસપાસ 2 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે.જેના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠા રૂપી આફત જોવા મળશે. આમ માવઠાનો કહેર આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. શિયાળામાં પણ ચોમાસાથી રાહત મળવાની કોઇ શકયતાઓ નથી.