ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત બોટાદમાં 3.5 ઇંચ, પોશીનામાં 3.27 ઇંચ, પડધરીમાં 3.15 ઇંચ, તલોદમાં 3.07 ઇંચ, સાણંદમાં 3.03 ઇંચ, જામકંડોરણામાં 2.83 ઇંચ અને પ્રાંતિજમાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સરેરાશ 98.85 ટકા જેટલો વરસાદ

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 98.85 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 105.44 ટકા જેટલો નોંધાયો હતો, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 103.58 ટકા, ઉત્તર ગુજરાતમાં 98.25 ટકા, કચ્છમાં 92.55 ટકા અને સૌરાષ્ટ્રમાં 88.11 ટકા વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

રાજ્યના 123 ડેમ હાઇ એલર્ટ પર

રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો હાલનો જળસંગ્રહ 305326 mcft એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 92.39 ટકા જેટલી છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 465158 mcft છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 83.38 ટકા છે.

હાલ રાજ્યના 88 ડેમ 100 ટકા ભરાયેલા છે, 67 ડેમ 70 ટકાથી 100 ટકા જેટલા ભરાયેલા છે. 22 ડેમ 50 ટકાથી વધુ ભરાયેલા છે. રાજ્યના 206 જળાશયોમાંથી 123 ડેમ હાઇ એલર્ટ પર છે, 21 ડેમ એલર્ટ પર તેમજ 11 ડેમ વોર્નિંગ પર છે.

આપણ વાંચો: મેઘરાજાની મહેર: રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે 10 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વડોદરા ડિવિઝનના 3 રૂટ અને 13 ટ્રીપ બંધ કરવામાં આવી હતી.

ભરૂચ ડિવિઝનમાં 1 રૂટ અને 4 ટ્રીપ, ગોધરા ડિવિઝનમાં દાહોદ જિલ્લામાં 10 રૂટ અને 14 ટ્રીપ તેમજ મહીસાગરમાં 8 રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આવતીકાલ માટે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત અરવલ્લી, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button