રેલવે મુસાફરો ખાસ નોંધજો! સાબરમતી-જોધપુર વંદે ભારત સહિત ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ મહત્વની ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરિવર્તન આગામી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે. આ ફેરફાર અંતર્ગત સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (૧૨૪૬૨) હવે સાબરમતીથી ૧૬:૪૫ને બદલે ૧૬:૫૫ વાગ્યે ઉપડશે અને મહેસાણા ૧૭:૩૮ વાગ્યે પહોંચશે. તેવી જ રીતે, સાબરમતીથી આગ્રા કૅન્ટ અને ગ્વાલિયર જતી એક્સપ્રેસ ટ્રેનો પણ હવે નિર્ધારિત સમય કરતાં ૫ મિનિટ મોડી એટલે કે ૧૭:૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે.
આ ઉપરાંત, સાબરમતી-મહેસાણા ડેમુ (૭૯૪૩૧) ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે, જે હવે સાબરમતીથી ૧૭:૧૦ વાગ્યે રવાના થશે. આ ડેમુ ટ્રેન માર્ગમાં આવતા ચાંદખેડા, ખોડિયાર, કલોલ, ડાંગરવા અને આંબલિયાસણ સહિતના તમામ સ્ટેશનો પર સુધારેલા સમય મુજબ રોકાણ કરીને સાંજે ૧૮:૨૮ વાગ્યે મહેસાણા પહોંચશે.
સાબરકાંઠામાં દોડશે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ
હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચેના નવનિર્મિત 55.672 કિમી લાંબા બ્રોડગેજ રેલ્વે સેક્શનના વિદ્યુતીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર રૂટને 25 kV, 50 Hz AC ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતાં હવે આ રેલ્વે સેક્શન પર પેસેન્જર અને માલવાહક ગાડીઓ (ફ્રેટ સર્વિસ) માટે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી રેલ વ્યવહાર વધુ ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનશે.
આ પણ વાંચો અંધેરી પશ્ચિમમાં ફૂટપાથ પરથી ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓને હટાવ્યા



