
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. શનિવારે તેમણે અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રસ પક્ષને રસ્તો દેખાડી નથી રહી. ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે- એક લોકો સાથે ઉભા છે, જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.
Also read : રાહુલ ગાંધી સમક્ષ જિલ્લા-તાલુકા પ્રમુખોએ રોષ ઠાલવ્યો; સાથે કરી આ માંગ…

રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ધ્યેય તમારા દિલની બાબતોને જાણવા અને સમજવાનો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
મેં ખુદને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની લોકો કોંગ્રેસને સમર્થન આપશે.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું
શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિખાલસ કબૂલાત કરી હતી, તેમણે કહ્યું, કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી હતી. કાર્યકરોએ સારી નહીં પરંતુ સાચી વાત રાહુલ ગાંધી સામે રજૂ કરી હતી. ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. રાહુલ ગાંધીએ ઓપન નેતૃત્વ પૂરું પાડ્યું છે. કેટલાક કાર્યકરોએ રાહુલજી સમક્ષ આંતરિક જૂથબંધીની રજૂઆત કરી હતી. કાર્યકરોને લાગતી સાચી વાત રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી એની હું સ્પષ્ટતા કરું છું. લોકસેવા અંગે લડતા રહેજો એવો આશાવાદ રાહુલ ગાંધીએ રજૂ કર્યો હતો.
Also read : PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા
રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ જમીન પર ઉતરશે
આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે કહ્યું, રાહુલ ગાંધીની ગઇકાલની બેઠક કોંગ્રેસની સંપૂર્ણ આતંરિક બેઠક હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને માત્ર સાંભળ્યા છે. જે અહેવાલો આવ્યા છે તેને હું વખોડી નાંખુ છું. સૂચનોના આધારે સારી રણનીતિ બનાવી રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ જમીન પર ઉતરશે. કોંગ્રેસ જે રોડ મેપ બનાવશે એ અધિવેશન બાદ જાહેર કરાશે.