સક્ષમ વ્યક્તિને જ મળશે સ્થાન; રેસના ઘોડા તારવવા રાહુલ ગાંધીએ નક્કી કરી જવાબદારી…

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીથી અમદાવાદની મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકા સ્તરે પાર્ટીના સંગઠનને સંગઠનને મજબૂત કરવાની હામ સાથે સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કરવામાં આવવાની છે. જે અંતર્ગત રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જ કોંગ્રેસે નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે.
શું કર્યો નિર્ણય?
પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં જ AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારીને હસ્તક રહેશે. આગામી 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો જિલ્લામાં જશે અને જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો પાસેથી તેમનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.
આગામી 31 મે સુધીમાં 6 નામોની યાદી તૈયાર કરીને AICCને મોકલવામાં આવશે અને બાદમા જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે. નામોની જાહેરાત પ્રદેશ સમિતિના પરામર્શ બાદ જ કરવામાં આવશે. આ માટે કુલ 45 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે. જિલ્લામા સક્ષમ વ્યક્તિને જ જિલ્લાનો પ્રમુખ બનાવવામાં આવશે.
આપણે ભાજપ સાથે સ્પર્ધા કરવાની છે, અંદરો અંદર નહીં
કોંગ્રસના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રથમ બેઠક બાદ યોજ્યા બાદ રાહુલ ગાંધી પ્રદેશના નેતાઓ સાથે કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજી હતી. કોંગ્રેસના દરેક નેતાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ જ બેઠકમા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું કે આપણે ભાજપ સાથે સ્પર્ધા કરવાની છે, અંદરો અંદર નહીં. અમદાવાદમાં બેઠક બાદ રાહુલ ગાંધી 16 આવતીકાલે મોડાસા જશે અને ત્યાંથી સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું અમને આનંદ
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, મને ખુશી છે કે અમારા જિલ્લા એકમોને મજબૂત બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી તેનો શુભારંભ કરશે…કાલે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે વાતચીત કરશે…”