
અમદાવાદઃ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ આ વર્ષે ભાવ વધારે હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં લોકોએ ખરીદી ટાળી હતી, જ્યારે પાટણ જેવા નાના શહેરોમાં ખરીદીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં આશરે 50 ટકા જેટલો ઘટાડો થયો હતો. અમદાવાદમાં આશરે 200 કરોડ જેટલો વેપાર થયો હતો.
આપણ વાંચો: પુષ્ય નક્ષત્ર પહેલા ધૂમ ખરીદી: અમદાવાદમાં ચાંદીનો સ્ટોક ખૂટ્યો, સોનામાં 100% એડવાન્સની માંગ
ચાલુ વર્ષે સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ હોવાથી રાજકોટની સોની બજારમાં પણ મંદી જોવા મળી હતી. શહેરમાં માત્ર 40 થી 50 ટકા જ ઘરાકી જોવા મળી હતી. લોકોએ માત્ર શુકન સાચવવા ખરીદી કરી હતી. સોનાની જેમ જ આ વર્ષે ચાંદીના ભાવ પણ આકાશને આંબ્યા હોવાથી ખરીદીમાં લોકોએ લોકોએ ખાસ રસ દર્શાવ્યો નહોતો.
ડાયમંડ નગરી સુરતમાં લોકોએ 22 કેરેટ અને 24 કેરેટ સોનાની જ્વેલરીની જગ્યાએ 9 કેરેટ ગોલ્ડની ખરીદી કરી હતી. ગ્રાહકોએ તેમના બજેટમાં સીધો જ 50 ટકાનો કાપ મૂક્યો હતો.
આપણ વાંચો: આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ
વડોદરામાં પણ ગત વર્ષની તુલનાએ વેચાણમાં 40 થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષે શહેરમાં 250 કરોડના સોના-ચાંદી વેચાયા હતા અને આ વર્ષે 150 કરોડનો જ કારોબાર થયાનું સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરામાં લોકોએ એક ગ્રામ, બે ગ્રામ કે પાંચ ગ્રામની લગડીની વધારે ખરીદી કરી હતી.
મોટા શહેરોના બદલે નાના શહેરોમાં આ વર્ષે સોના-ચાંદીની ખરીદીનો ક્રેઝ જોવા મળ્યો હતો. પાટણમાં ગ્રાહકોએ સોનાની લગડીઓ અને ઘરેણાની ધૂમ ખરીદી કરી હતી. આ ઉપરાંત મૂર્તિઓ અને સિક્કા પણ ખરીદ્યા હતા. લોકો સોનાને કાયમી રોકડ માની રહ્યા છે અને વધતા ભાવને કારણે તેમાં વિશ્વાસ વધ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.