ગુજરાતમાં આજથી સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ થઇ

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આજથી 179 ખરીદ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવશે, જ્યારે 87 ખરીદ કેન્દ્રો પર રાયડાની ખરીદી કરવામાં આવશે, તેવી માહિતી ગુજરાત સરકારે આપી છે.
આ પહેલા ચણા અને રાયડાની ખરીદી સંદર્ભે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સિઝન દરમિયાન ચણા માટે રૂ. 5,650 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,130 પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. 5,950 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,190 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. જેથી રાજ્યના ખેડૂતોએ ચણા અને રાયડાનું નિશ્ચિંત થઈને પુષ્કળ વાવેતર કર્યું હતું. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે
તેમ વધુમાં જણાવ્યું કે નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. 1,903 કરોડની કિંમતનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. 767 કરોડની કિંમતનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે.
આપણ વાંચો: વડોદરામાં ત્રણ માળની ઈમારત ધસી પડીઃ જાનહાનિ ટળી
અત્રએ ઉલ્લેખીનય છે કે ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ચણા અને રાયડો પકવતા ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી હતી.