અમદાવાદ

ઝીરો વિઝિબિલિટીના કારણે પુણેથી ભાવનગર આવતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ

ભાવનગરઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલી રહે છે. આ માહોલમાં વિઝિબિલિટીની મોટી સમસ્યા સર્જાઈ છે. ભાવનગરમાં આજે ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લગભગ બપોર સુધી આ પરિસ્થિતિ રહી હતી તેના કારણે હાઇવે પર વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

ખાસ કરીને તો ભાવનગર એરપોર્ટ પર વિમાની સેવામાં વિક્ષેપ સર્જાયો હતો. આજે સવારે પુણેથી ઉડાન ભરી ભાવનગર આવેલી ફ્લાઈટ ઝીરો વિઝિબિલિટીના કારણે ભાવનગર એરપોર્ટ પર ઉતરી શકી ન હતી. પાયલોટ દ્વારા ફલાઈટને હોલ્ટ પર રાખી ભાવનગરના આકાશમાં ચક્કર લગાવવામાં આવ્યા હતા જેથી જો વાતાવરણ સુધરે તો ફ્લાઇટને લેન્ડ કરાવી શકાય, પરંતુ વાતાવરણમાં યોગ્ય સુધારો નહિ જણાતા ભાવનગરમાં પ્લેનનું લેન્ડિંગ જોખમી લાગતા આખરે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ ડાયવર્ટ કરાઇ હતી. આ કારણે ભાવનગર થી મુંબઈની સવારની ફ્લાઈટ રદ્દ રહી હતી.

આ પણ વાંચો: માવઠાની આગાહીને પગલે ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ: ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી…

પુણેથી ભાવનગર માટે સ્પાઇસ જેટની 80 સીટર પ્લેનએ આજે તેના નિયત સમયે ભાવનગર આવવા ઉડાન ભરી હતી. સવારે 8:55 કલાકે ફ્લાઇટનો લેન્ડિંગ ટાઈમ હતો, પરંતુ ભાવનગરના આકાશમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસ છવાયેલ હોવાથી પાયલોટને ફ્લાઇટના લેન્ડિંગમાં વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

આ કારણે હોલ્ટ કરવા માટે ફ્લાઇટને એરપોર્ટ પર જ આકાશમાં થોડી વાર માટે ચક્કર લગાવવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિમાં ખાસ કોઈ સુધારો નહીં જણાતા આખરે અમદાવાદ એરપોર્ટ પર ફલાઈટ ડાયવર્ટ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભાવનગર એરપોર્ટ તથા સ્પાઈસ જેટના અધિકારી સૂત્રોએ આ સંદર્ભે સત્તાવાર અને સ્પષ્ટ વિગતો આપવાના બદલે મીડિયાથી અંતર જાળવ્યું હતું.

દરમિયાનમાં પુણેની ફ્લાઈટ ભાવનગર લેન્ડ નહિ થઈ શકતા ભાવનગર મુંબઈની ફ્લાઈટ પણ રદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બપોરે 12:30 કલાકે મળતા અહેવાલ મુજબ પુનાથી ભાવનગર આવેલ ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઇ છે અને ભાવનગરથી મુંબઈની સવારની ફ્લાઈટે હજુ સુધી ઉડાન ભરી નથી, આ કારણે પુણેથી ભાવનગર આવવા નીકળેલા હવાઈ યાત્રીઓને અમદાવાદ ઉતરવું પડ્યું હતું અને તેમનું સમયપત્રક બદલ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button