રાજ્યમાં રૂ. બે લાખમાં પીટીસી સીટ વેચાતી હોવાના દાવાથી ખળભળાટ

અમદાવાદ: ગુજરાતની પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજ (પીટીસી)માં પ્રવેશ પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારના વધુ એક સનસનીખેજ કિસ્સાનો ઘટસ્ફોટ થયો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો પુરાવા જાહેર કરીને દાવો કર્યો કે, પીટીસીમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી ૨ લાખ રૂપિયા સુધીની માગણી કરવામાં આવી હતી.
આ કૌભાંડમાં સૌથી ગંભીર ખુલાસો એ છે કે, યુવરાજસિંહ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર નામની અમદાવાદની શૈક્ષણિક સંસ્થાના એક ટ્રસ્ટી વિદ્યાર્થી પાસેથી બે લાખ રૂપિયાની માગણી કરી રહ્યા છે.
આપણ વાંચો: અમરેલીમાં સ્કૂલના ગેટ પર તાળું મારીને શિક્ષકો જતા રહેતા 4 વિદ્યાર્થીઓ પુરાયા…
આ ટ્રસ્ટી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, આ રકમમાંથી એક લાખ રૂપિયા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પહોંચાડવાના થાય છે. આ મામલો પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
કૌભાંડની સાથેસાથે ઉત્તર બુનિયાદી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોલેજો અને શિક્ષણ વિભાગે પહેલાં એડમિશન આપી, ફી લઈને અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ અચાનક એડમિશન રદ કરી દીધા હતા. આ સમગ્ર મામલામાં લોકમાન્ય કોલેજના પ્રિન્સિપાલ ગૌરાંગ પરમાર પર પણ ગંભીર આરોપો લાગ્યા હતા.
યુવરાજસિંહના દાવા મુજબ, એક વ્યક્તિ શિક્ષણ વિભાગના ‘એજન્ટ’ તરીકે કાર્ય કરે છે. તેણે એક માન્યતા રદ થયેલી કોલેજમાં ૫૦ ટકા ભાગીદારીના એમઓયુ કરીને એક જ રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવી હતી.
આ સનસનીખેજ ખુલાસાઓ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તમામ પીટીસી કોલેજોના વિદ્યાર્થીઓને બોલાવીને આ સમગ્ર ભ્રષ્ટાચારના મામલે રાજ્ય સરકાર પાસે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની તાત્કાલિક માગ કરી હતી.