અમદાવાદ

બાબાસાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદન પર સમગ્ર ગુજરાતમાં વિરોધ: આપ, NSUI પડ્યા મેદાનમાં

અમદાવાદ: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા વિવાદિત નિવેદનનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, પાટણ, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા અને આમ આદમી પાર્ટી સહિત ઘણા સંગઠનોએ વિરોધ નોંધાવી ફરિયાદ પણ ફાખલ કરવામાં આવી છે.

સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં વિવાદિત નિવેદન બાદ દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં પણ તેનાં પડઘા પડ્યા છે અને ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે NSUIના વિરોધ પ્રદર્શન પહેલા જ યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો. NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ કરવા ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા ત્યાં જ પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કાર્યકરોની અટકાયત દરમિયાન પોલીસની હાજરીમાં જ NSUIના કાર્યકરો પોલીસવાન પર ચઢી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યકરોને પકડીને નીચે ઉતાર્યા હતા.

આ પણ વાંચો: અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણી: આ અનાદર સહનશીલતાની બધી હદો વટાવી ગયો છે: ઉદ્ધવ ઠાકરે

રાજકોટમાં રસ્તા રોકો આંદોલન
અમિત શાહના નિવેદનના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડ્યા છે. રાજકોટમાં આજે NSUI શહેરના કોટેચા ચોક ખાતે ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા અમિત શાહની માફીની માંગના બેનર દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બાબાસાહેબના ફોટા સાથે રસ્તા પર બેસી જઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના લીધે કોટેચા સર્કલ, કાલાવડ રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જો કે બાદમાં પોલીસે 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી હતી.

જુનાગઢ-જામનગરમાં વિરોધ
જુનાગઢમાં આમ આદમી પાર્ટી અને સ્વયં સૈનિક દળ દ્વારા અમિત શાહના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સ્વયં સૈનિક દળ દ્વારા બાઈક રેલી યોજી કાળવા ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી હાથમાં વિવિધ બેનરો રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પાટણ-ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરવા અરજી
આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં રેલી યોજીને અમિત શાહના રાજીનામાની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ જે આપત્તિજનક ટિપ્પણીના વિરોધમાં આમ આદમી પાર્ટીના ગાંધીનગર અને પાટણના હોદ્દેદારો દ્વારા અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં અરજી આપવામાં આવી છે.

વડોદરામાં પણ કોંગ્રેસ અને NSUIનો વિરોધ
વડોદરામાં પણ કોંગ્રેસ અને NSUI દ્વારા ગૃહમંત્રીની માફી અને રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. એમ.એસ. યુનિવર્સિટી મેઇન બિલ્ડીંગ ખાતે NSUIએ સુત્રોચ્ચારો કર્યાં હતા અને અમિત શાહ માફી માગો અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને મુખ્ય રોડ પર બેસીને સુત્રોચ્ચારો કર્યાં હતા. જેથી સયાજીગંજ પોલીસે પહોંચીને NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button