બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાના વિરોધમાં ખોખરામાં સજ્જડ બંધ!
અસમાજિક તત્ત્વો વિરોધ કાર્યવાહી કરવા નેતાઓની કમિશનરને રજૂઆત
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને અમુક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું, જેને લઈને ખૂબ જ રોષ વ્યાપ્યો છે. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા.
ખોખરા બંધનું એલાન
ગઇકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી પાસે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો ત્યારે આજે મંગળવારે ખોખરામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા, જ્યારે અહીંના વિસ્તારોમાં સેંકડો લોકોના ટોળા પણ ઉતરી આવ્યા હતા.
ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે આજે ખોખરામાં લોકોના ટોળાએ દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક દુકાનદારોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. પોલીસે પણ કેટલાક લોકોને દુકાનો આજનો દિવસ બંધ રાખવાની સૂચના આપતા દુકાનો બંધ કરવામાં આવી છે. લોકોની ભીડને પગલે રોડ બંધ કરાવતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી અને પોલીસે તમામ લોકોને ખસેડી અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
ભાજપ-કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
ખોખરાની આ ઘટનાના વિરોધમાં અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ તેમજ ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
ચાર શંકાસ્પદની અટકાયત કરીને પૂછપરછ
ખોખરાની આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. પોલીસસે જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે 200 જેટલા લોકોની શંકાના આધારે પૂછપરછ કરી હતી.