Top Newsઅમદાવાદ

ગરમીનો માર: અમદાવાદ-સુરતમાં શ્રમિકોની ઉત્પાદકતા 10 ટકા ઘટી, અભ્યાસમાં ચિંતાજનક ખુલાસો

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે. ગરમીના કારણે સૌથી વધુ અસર કામ શ્રમિકોને થાય છે. ઉનાળા દરમિયાન શ્રમિકોની ઉત્પાદકતમાં 10 ટકા જેટલો ઘટાડો થાય છે. ગરમીના કારણે સૌથી વધુ પ્રભાવિત થતા ટોચના પાંચ શહેરોમાં અમદાવાદ, સુરતનો સમાવેશ થાય છે.

એક અભ્યાસ મુજબ, ભારતમાં પ્રવાસી શ્રમિકો વસ્તીનો એક મોટો ભાગ લાંબા કલાકો સુધી સખત, શારીરિક રીતે માંગણીવાળી નોકરીઓમાં કામ કરે છે. આ શ્રમિકો ઘણીવાર અતિશય ગરમીની ઘટનાઓ અને આબોહવા પરિવર્તનના પ્રથમ ભોગ બને છે. અભ્યાસમાં શ્રમિકો દ્વારા અનુભવાતા – ઘરની અંદર અને બહાર – હીટ સ્ટ્રેસ (ગરમીનો તણાવ) અને તેની ઉત્પાદકતા પર થતી અસરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અભ્યાસની પદ્ધતિમાં ભારતના 50 શહેરો અને ઔદ્યોગિક નગરોમાં અંદાજિત વસ્તી જાણવા માટે 2011ની વસતી ગણતરીના સ્થળાંતર ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં અસરગ્રસ્ત વસતીનો હિસ્સો નક્કી કરવા માટે 1980 થી 2021 સુધીના ગરમીના વલણોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં આઉટડોર હીટ સ્ટ્રેસ ઉપરાંત, ઇન્ડોર હીટ સ્ટ્રેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

એક સંશોધકે જણાવ્યું હતું કે, ગરમીમાં થતા વધારા માટે 1.5 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી એમ ચાર પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું, વૈશ્વિક તાપમાનમાં વધારાની અસર ઉપરાંત, તેની આવર્તકતા અને દેશના એકંદર તાપમાનના વલણો પરની અસર જાણવા માટે અલ નીનો-સધર્ન ઓસિલેશનની પરિવર્તનશીલતાની અસરને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

અભ્યાસમાં જણાવાયું કે, ભારતમાં મુંબઈમાં નોકરી શોધનારાઓનો સ્થળાંતર પ્રવાહ સૌથી વધુ છે, જેમાં 17 લાખથી વધુ લોકો ગ્રામીણથી શહેરી શ્રમિક સ્થળાંતર કરનારા છે. અભ્યાસ મુજબ, નવી દિલ્હીમાં આ સંખ્યા 14 લાખ છે અને દેશમાં બીજા ક્રમે છે., ત્યારબાદ સુરત, બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ અને ગાઝિયાબાદ આવે છે. અભ્યાસમાં જણાવાયું છે કે, સુરતમાં વાર્ષિક ધોરણે લગભગ 20 લાખ લોકો ઘરની અંદર અને બહારના બંને હીટ સ્ટ્રેસથી પ્રભાવિત થાય છે, જ્યારે અમદાવાદ માટે આ આંકડા અનુક્રમે 15 લાખ છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં હીટ સ્ટ્રેસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વઘારે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button