કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે

અમદાવાદઃ કોંગ્રેસ હવે આગામી ચૂંટણીને લઈને પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે તૈયારીઓ કરવાની છે. આવતીકાલથી અમદાવાદ ખાતે કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના 2000 થી પણ વધારે નેતાઓ સામેલ થવાના છે. આ અધિવેશનમાં અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું આયોજન, ગઠબંધન અને જનસંપર્ક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવશે. કારણ માત્ર એક જ કે હવે કોંગ્રેસને સત્તામાં આવવું છે.
શું કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી આપવાની છે?
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ અધિવેશનમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી આપવાની છે. આગામી સમયમાં છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી આપવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે, તેમાં કોઈ સત્તાવાર જાહેર કરવામાં નથી આવી પરંતુ આટલી વર્ષોના રાજકીય અનુભવના આધારે આ જવાબદારી મળી શકે છે. વર્તમાનની વાત કરવામાં આવે તો, પ્રિયંકા ગાંધી કોઈપણ વિભાગ કે રાજ્યનો હવાલો સંભાળ્યા વિના કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ તરીકે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘ન સેના, ન સેનાપતિ’: 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન, જાણો મહત્ત્વની વાતો
ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટેની રણનીતિ પર ભાર મૂકાશેઃ સૂત્રો
પ્રિયંકા ગાંધીએ આ પહેલા પણ અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન સારી એવી ભૂમિકા અદા કરી છે, જેથી કોંગ્રેસ નેતાએ આગામી ચૂંટણીમાં પણ પ્રિયંકા ગાંધી વધારે સક્રિય રહીને કામ કરે તેવું ઈચ્છી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષ સત્તામાં આવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પર પકડ જમાવી રાખી છે. જોકે, રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન ગુજરાત વિધાનસભામાં ભાજપને હરાવશે. હવે રાહુલનું આ નિવેદન કોંગ્રેસના નેતાઓનો જુસ્સો વધારવા માટે અતિ મહત્વનું છે.
અધિવેશનમાં અનેક મુદ્દાઓ પર થશે ગહન ચર્ચા વિચારણા
આ અધિવેશનમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ પર ભાર મુકવામાં આવશે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, બેઠકમાં અન્ય ખાસ મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી માટે મોટી જવાબદારી પણ મળી શકે છે. આ અધિવેશન ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓમાં અધિવેશનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે.