પીએમ મોદી રવિવારે અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે. આ રૂટ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મેટ્રો કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. આ સાથે જ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિલોમીટરનો નવો કોરિડોર કાર્યરત થશે, જે શહેરના વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિસ્તારોને એક જ ટ્રાન્ઝિટ લાઇનથી જોડી દેશે. આ નવા રૂટ પર અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર એમ કુલ 5 સ્ટેશનોનો સમાવેશ થાય છે.
અક્ષરધામ સ્ટેશન સચિવાલય બાદ મહાત્મા મંદિર તરફ જતા રૂટ પરનું આ પ્રથમ સ્ટેશન
અક્ષરધામ સ્ટેશન સચિવાલય બાદ મહાત્મા મંદિર તરફ જતા રૂટ પરનું આ પ્રથમ સ્ટેશન છે. અક્ષરધામ મંદિર નજીક હોવાથી અહીં ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. આ ઉપરાંત, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 10B, સેક્ટર 18 અને સેક્ટર 21 ના બજાર તેમજ પુનિત વન જેવા સ્થળો અહીંથી નજીક છે. ગવર્નર હાઉસ અહીંથી માત્ર 2 કિમી દૂર છે, જ્યારે સર્કિટ હાઉસ પણ ચાલવાના અંતરે આવેલું છે.
જુના સચિવાલય સ્ટેશન સરકારી કર્મચારીઓ માટે આ સ્ટેશન આશીર્વાદરૂપ સાબિત થશે. જુના સચિવાલય સંકુલમાં કામ કરતા કર્મચારીઓ હવે સીધા ઓફિસ સુધી મેટ્રોમાં પહોંચી શકશે. આ સ્ટેશન જુના MLA ક્વાર્ટર્સ અને હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરથી પણ નજીક છે, જેથી સરકારી બેઠકો અને પ્રદર્શનો માટે આવતા મુલાકાતીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન
મહાત્મા મંદિર સ્ટેશન આ રૂટનું અંતિમ સ્ટેશન ગાંધીનગરના મહત્વના લેન્ડમાર્ક સમાન છે. અહીં ઉતર્યાની થોડી જ મિનિટોમાં મુસાફરો મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, દાંડી કુટીર મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સંકુલ સુધી પહોંચી શકશે. આંતરરાષ્ટ્રીય સમિટ અને મોટા કાર્યક્રમો માટે આવતા લોકો માટે આ સ્ટેશન પ્રવેશદ્વાર સમાન બની રહેશે.
વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે
સેક્ટર-24 સ્ટેશન વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભદાયી રહેશે. અહીં VPMP પોલીટેકનિક, LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ITI (સેક્ટર-15) અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) જેવી મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ સ્ટેશન શરૂ થવાથી વિદ્યાર્થીઓની દૈનિક મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ સ્ટેશન સેક્ટર 16, 22 અને 23 ના રહેણાંક વિસ્તારો માટે મહત્વનું છે. અહીં સ્વામિનારાયણ ગુરુકુળ નજીક હોવાથી વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. જે પરિવારો અત્યાર સુધી બસ કે ટુ-વ્હીલર પર નિર્ભર હતા, તેઓ હવે મેટ્રો દ્વારા શહેરના અન્ય વિસ્તારો સાથે સરળતાથી જોડાઈ શકશે



