વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, અમદાવાદમાં પાટીદારો બહુમતીવાળા આ વિસ્તારમાં સભાને કરશે સંબોધન | મુંબઈ સમાચાર

વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, અમદાવાદમાં પાટીદારો બહુમતીવાળા આ વિસ્તારમાં સભાને કરશે સંબોધન

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટના અંતમાં ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી 24-25 અથવા 25-26 ઓગસ્ટના રોજ બે દિવસ માટે ગુજરાતમાં રહેશે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં પાટીદારોની બહુમતી ધરાવતાં નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત, તેઓ બેચરાજી અને વડનગરમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

જાહેર સભા રાજકીય રીતે કેમ છે મહત્ત્વની?

પીએમના પ્રવાસને લઈને સરકારી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. નિકોલમાં યોજાનારી જાહેર સભા રાજકીય રીતે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. પૂર્વ અમદાવાદમાં આ સભાનું આયોજન થવાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઈ જેવી વિધાનસભા બેઠકો પર તેની અસર જોવા મળી શકે છે.

વડનગર પણ જશે

વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગર જશે. વડનગરમાં તેઓ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરી શકે છે. જ્યારે બેચરાજીમાં તેઓ સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાં કંપનીના નવા બેટરીથી ચાલતા વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.

પીએમ મોદી છેલ્લે ક્યારે આવ્યા હતા ગુજરાત પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે મે 2025માં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તેમણે ગુજરાત અર્બન ગ્રોથ સ્ટોરીના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.

આપણ વાંચો:  દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button