‘મુખ્ય પ્રધાન બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે 10,000 મકાન તોડશે’: અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે મેવાણીનો આક્રોશ

અમદાવાદઃ શહેરમાં ઓલિમ્પિક માટે સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિક પહેલા ઘણા પ્રોજેકટ આવવાની સંભાવના વચ્ચે મોટેરા અને ચાંદખેડામાં તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનેલા લોકો કલેકટર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ પણ આવ્યા હતા.
વિધાનસભા ઘેરાવ કરાશેઃ મેવાણી
આ સમયે ધારાસભ્ય મેવાણીએ કહ્યું, મુખ્ય પ્રધાન બિલ્ડર છે. કોમનવેલ્થના નામે અંદાજે 10 હજાર મકાન તોડવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, 8 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવ અને 15 ઓક્ટોબરે મુખ્યપ્રધાન આવાસ ઘેરાવ કરવામાં આવશે.
આપણ વાંચો: ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા કોંગ્રેસે ન્યાયયાત્રા યોજી: શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી જોડાયા
બિલ્ડર એવા સીએમના શાસનમાં અનેક ગરીબોના મકાનો તૂટ્યાં
મેવાણીએ કહ્યું, ગુજરાત માત્ર ઉદ્યોગપતિઓ માટે નથી. સામાન્ય જનતા માટે પણ છે. બિલ્ડર એવા સીએમના શાસનમાં અનેક આવાસો તોડાયા છે અને હજુ ધરાયા નથી. કોમનવેલ્થના નામે ચાંદખેડા, મોટેરામાં હજારો મકાન તોડી પાડવામાં આવશે. જેને રાજ્યના નાગરિકો અને કોંગ્રેસ બિલકુલ ચલાવી નહીં લે.
સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિકોએ કહ્યું, કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વરસાદે ડિમોલિશન કામગીરી કરવામાં આવતી હોવાથી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે.