
અમદાવાદઃ અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા રાજ્ય પરથી મોટો ખતરો ટળ્યો હતો. વાવાઝોડું ડિપ ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. શક્તિ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં સાંજે વાતાવરણ પલટાયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને મોટી રાહત મળી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું. બીજી તરફ, થરાદ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ થવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આપણ વાંચો: ‘શક્તિ’ વાવાઝોડું: મુંબઈ, થાણેમાં છૂટોછવાયો વરસાદ રહેશે પાલઘરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદ પડી શકે છે…
શહેરની આશાપુરા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ફોરલેન હાઇવે પરનું પાણી સોસાયટીમાં ઘૂસી જતાં આ સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
કાંકરેજ સહિત ઓગડ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. શિહોરી સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ ઝાપટું પડ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આપણ વાંચો: અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ સક્રિય: ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં દરિયાકાંઠે ડીડબલ્યુ-2 સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સરેરાશ 117.43 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 147.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.04 ટકા, પૂર્વ મધ્યમાં 116.11 ટકા, સૌરાષ્ટ્રમાં 108.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.50 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 155 ડેમ હાઈ એલર્ટ પર છે. 128 ડેમ સો ટકા ભરાયેલા છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 51 સહિત કુલ 57 રોડ રસ્તા બંધ છે.