અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ શહેરની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં શાળાને આરોપી બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસકર્તા અધિકારીઓના માનવા મુજબ, વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. તેમ છતાં શાળા આ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેના કારણે મહિના પહેલા શરૂ થયેલો આ વિવાદ હત્યામાં પરિણમ્યો હતો.
આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મૃતક વિદ્યાર્થીના પરિવારનો સમાવેશ થાય છે.તપાસમાં મળેલા પુરાવા મુજબ, સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી સ્કૂલમાં આવતો અને પગથિયાં પર બેસી જતો જોવા મળ્યો હતો. એફએસએલની ટીમ પણ પુરાવા એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ પાણીનું ટેન્કર મંગાવીને હત્યાના પુરાવાનો નાશ કર્યો ?
વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટ મુજબ, તેના પેટ પર બહારથી માત્ર 1.5 સેન્ટિમીટરનો નાનો ઘા હતો. પરંતુ, જ્યારે ડોક્ટરોએ સર્જરી માટે પેટ ખોલ્યું, ત્યારે ખબર પડી કે શરીરમાં લોહી પહોંચાડતી અને પાછું લાવતી મુખ્ય નસો (ધમની અને શિરા) કપાઈ ગઈ હતી. આ કારણે, તેના પેટમાં જ અઢી લીટર લોહી જમા થઈ ગયું હતું.
વધુ પડતા આંતરિક રક્તસ્રાવને લીધે વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં. ડોક્ટરોએ 3 કલાક સુધી ઓપરેશન કરીને નસોને ટાંકા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ રહ્યા નહિ. આ ઉપરાંત, તેના આંતરડામાં પણ ચાર કાણાં અને એક જગ્યાએ આંતરડું ફાટી ગયું હતું. જેના લીધે હૃદય, કિડની અને મગજ જેવા શરીરના મુખ્ય અંગોને લોહી મળતું બંધ થઈ ગયું અને તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો
શું હતો મામલો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક દુઃખદ ઘટના બની હતી. મંગળવારે, 19મી ઓગસ્ટના રોજ, સામાન્ય ધક્કામુક્કીની બાબતે ધોરણ-10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ બુધવારે, 20મી ઓગસ્ટની સવારે તેનું અવસાન થયું. આ સમાચાર મળતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ગુસ્સે થઈને સ્કૂલે પહોંચ્યા હતા. તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સાથે મારપીટ કરી અને સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી.