
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12.32 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાયા હતા. શહેરમાં પાટીદાર બહુમતી ધરાવતી કેટલીક વિધાનસભામાં 2022 ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા હતા.
અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી પહેલા કુલ 46,70,087 મતદારો હતા. તેમાંથી સ્થળાંતર, મૃત્યુ, ગેરહાજર જેવા કારણોના લીધે 12.32 લાખથી વધુ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રહ્યા હતા. જ્યારે અમદાવાદની 16માંથી 10 બેઠક પર રદ થયેલા મતદારો ગત ચૂંટણીમાં જીતના અંતરથી વધારે છે.
શહેરમાં પાટીદારોની વસતી ધરાવતા નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર,વેજલપુર, વટવામાં રદ થયેલા મતદારો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેના જીતના અંતરથી પણ વધુ છે. આ બેઠકો પર રદ થયેલા મતો 7.52 લાખ છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું કુલ અંતર 4.20 લાખ છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં 16 બેઠક પર કોંગ્રેસને કુલ 6.16 લાખ મત મળ્યા હતા, જ્યારે રદ થયેલા મત 12.32 લાખ છે. ભાજપને કુલ 16.45 લાખ મત મળ્યા હતા. તમામ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું અંતર 10.83 લાખ હતું, જ્યારે રદ થયેલા મત તેનાથી 1.49 લાખ વધુ છે. જમાલપુર ખાડિયા,દાણીલીમડા સિવાય તમામ બેઠક ભાજપ પાસે છે.
શુક્રવારે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં શહેરના કુલ 34,37,255 મતદારનો સમાવેશ કરાયો છે, જેમાં સૌથી વધુ 34,527 ગેરહાજર મતદાર વટવા વિધાનસભાના હતા. વટવાના ગેરહાજર મતદારોની સંખ્યા અન્ય પાંચ વિધાનસભાના કુલ ગેરહાજર મતદારો જેટલી થાય છે.
કઈ વિધાનસભામાં કેટલા મતદારો કપાયા અને જીતનું અંતર
| વિધાનસભા બેઠક | કપાયા (મત) | કુલ મતદારો | વિજેતાનું માર્જિન |
| નારણપુરા | 74,552 | 2,57,020 | 92,800 |
| નિકોલ | 73,338 | 2,67,892 | 55,198 |
| નરોડા | 82,418 | 3,06,824 | 83,513 |
| ઠક્કરબાપાનગર | 69,152 | 2,43,501 | 63,799 |
| બાપુનગર | 66,513 | 2,16,608 | 12,070 |
| અમરાઈવાડી | 88,030 | 2,93,648 | 43,272 |
| ઘાટલોડિયા | 97,096 | 4,62,262 | 1,92,263 |
| વેજલપુર | 1,07,716 | 4,24,051 | 59,651 |
| એલિસબ્રિજ | 72,367 | 2,66,282 | 1,04,796 |
| દરિયાપુર | 52,387 | 2,09,541 | 5,485 |
| જમાલપુર-ખાડિયા | 51,369 | 2,15,853 | 13,658 |
| મણિનગર | 73,990 | 2,78,450 | 90,728 |
| દાણીલિમડા | 69,526 | 2,82,917 | 13,487 |
| સાબરમતી | 79,838 | 2,87,962 | 98,684 |
| અસારવા | 59,717 | 2,14,851 | 54,173 |
| વટવા | 1,14,823 | 4,42,425 | 1,00,046 |
આ પણ વાંચો…ચૂંટણી પંચનો મોટો ઘટસ્ફોટઃ અમદાવાદમાં 14.52 લાખ ‘મિસ્ટ્રી’ મતદાર



