અમદાવાદમાં પોલીસકર્મીએ કારથી રિક્ષાને ઉડાવી, અકસ્માત બાદ દારૂની બોટલ પણ મળી, જુઓ VIDEO

અમદાવાદ: શહેરના વિશાલા સર્કલ નજીક સિટીગેટ બિલ્ડીંગની સામે એક કારચાલકે પૂરઝડપે આવતા એક રીક્ષાચાલકને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગાડીમાં સવાર વ્યક્તિ પોલીસ હોવાનું સામે આવ્યું હતું. લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના વિશાલા સર્કલ નજીક આવેલી સિટીગેટ બિલ્ડીંગની સામે ગઇકાલે મોડીરાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા કારચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, કારચાલકે પૂરપાટ ઝડપે ચડાવીને રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી અને રિક્ષા ચાલક બેભાન થઈ ગયો હતો. આ ટક્કર જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
જો કે આ દરમિયાન લોકોને કારમાંથી પોલીસ વર્ધી અને બંદોબસ્તના પાસ તેમજ દારૂની બોટલ પણ પણ જોવા મળી હતી. કારચાલક પોલીસકર્મી હોવાનું જાણવા મળતા લોકોએ તેને પકડીને એમ. ટ્રાફીક પોલીસ સ્ટેશન પોલીસને સોંપ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસકર્મી નશામાં હતો. આ બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: 700થી વધુ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે